ન્યૂઝ ક્લિક વેબસાઈટ પર ભારતને બદનામ કરવાનો પાત્રાનો આક્ષેપ
વેબસાઈટને વિદેશમાંથી ભંડોળ મળતું હોવાનો દાવો
મીડિયાની ચાદર ઓઢી પોર્ટલ ચલાવનારા કેટલાક એક્ટિવિસ્ટને વિદેશી તાકતોનું સમર્થન : સંબિત પાત્રા
નવી દિલ્હી, તા.૧૮
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝ ક્લિક પર દેશને બદનામ કરવાનો અને દેશ વિરુદ્ધ કાવતરું રચવાનો આક્ષેપ મૂક્યો છે. પાત્રાએ કહ્યું કે, દેશમાં એક સરગના છે, જે દેશને બદનામ કરવા માટે કામ કરી રહ્યો છે અને આ એક આંતરરાષ્ટ્રીય કાવતરું છે.
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે ન્યૂઝ ક્લિક નામની વેબસાઈટનો એક જ આશય છે. તે હિન્દુસ્તાનની સરકારને નિષ્ફળ બતાવે છે અને વિદેશની કેટલીક તાકતોનો એજન્ડા ચલાવે છે. ન્યૂઝ ક્લિકમાં બહારના લોકો ફંડ મોકલતા હતા. આ વેબસાઈટ પીપીકે નામની કંપની હેઠળ આવે છે. તેમણે ૯.૫૯ કરોડની એફડીઆઈ પણ સ્વીકારી છે. તેમાં મુખ્યરૃપે વિદેશના ત્રણ લોકો સામેલ હતા. આ સિવાય અંદાજે ૩૦ કરોડ રૃપિયા તેમણે વિદેશોની અલગ અલગ એજન્સીઓ પાસેથી મેળવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે ન્યૂઝ ક્લિક અંગે જે હકીકતો બહાર આવી છે, તે બાબતથી સ્પષ્ટ છે કે ટૂલકિટ માત્ર હિન્દુસ્તાનના કેટલાક રાજકીય પક્ષો ચલાવી રહ્યા છે તેવું નથી. પરંતુ ભારત બહાર પણ એવું કાવતરું ઘડાઈ રહ્યું છે, જે આ ટુલકીટનો ભાગ છે. પાત્રાએ કહ્યું કે, મીડિયાની ચાદર ઓઢીને પોર્ટલ ચલાવનારા કેટલાક એક્ટિવિસ્ટને વિદેશી તાકતોનું સમર્થન છે. આ લોકોનું એક ગૂ્રપ સામંજસ્ય સાથે કામ કરે છે અને તેમનો આશય દેશમાં ભ્રમ, અરાજક્તા ફેલાવવાનો છે.