દિવ્યાંગનો વીમો કરાવ્યો પછી હત્યા કરી રકમ પચાવી પાડી, યુપીની વીમા ક્લેમ ગેંગનું ભાંડાફોડ
Insurance Claim Scam Sambhal : અંતિમ શ્વાસ લઈ રહેલા અને મૃતકોની વીમા પોલિસી ક્લેમ કરીને પૈસા હડપતી એક ગેંગનો સંભલ પોલીસે ભાંડો ફોડ્યો છે. બે સગા ભાઈઓએ 50 લાખ રૂપિયાના ઈન્શ્યોરન્સ પોલિસીઓનો ક્લેમ પચાવી પાડવા માટે દરિયાબ નામના એક દિવ્યાંગ વ્યક્તિ પર કાર ચઢાવીને હત્યા કરાવી નાખી હતી. ત્યારબાદ ક્લેમ કરીને 15 લાખ રૂપિયા પણ પચાવી પાડ્યા હતા. જોકે, આ મામલે દિવ્યાંગ વ્યક્તિના નજીકના સંબંધીઓ દ્વારા અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો, ત્યારે સમગ્ર મામલાનો પર્દાફાશ થયો.
ઘરથી 27 કિમી દૂર કરાવી હતી હત્યા
આ કેસની તપાસ કરી રહેલી પોલીસે શરૂઆતમાં તો પુરાવાના અભાવે FIR દાખલ કરી હતી. જોકે, 4 મહિના બાદ ટાટાની એક લોન કંપનીએ પોલીસને જાણ કરી કે દરિયાબ નામના વ્યક્તિના નામે વીમાનો ક્લેમ માગવામાં આવી રહ્યો છે. મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે. કૃપા કરીને આ મામલાની તપાસ કરાવો. ત્યારબાદ પોલીસ ટીમે આ મામલાની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દિવ્યાંગ દરિયાબની હત્યા તેના ઘરથી 27 કિલોમીટર દૂર કરવામાં આવી હતી.
દિવ્યાંગના નામે અનેક વીમા કરાવ્યા
આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે, જ્યારે તે વ્યક્તિ ચાલી જ નહોતો શકતો, તો તે ઘરથી 27 કિલોમીટર દૂર કેવી રીતે પહોંચ્યો અને અકસ્માતનો ભોગ કેવી રીતે બન્યો? જ્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી અને શંકાના આધારે લોકોની પૂછપરછ કરી, ત્યારે સમગ્ર મામલે ખુલાસો થયો. તપાસમાં સામે આવ્યું કે, દિવ્યાંગ દરિયબ પર હરિઓમ અને બિનોદ નામના બે સગા ભાઈઓએ ઓક્ટોબર-2023થી અનેક વીમા કરાવવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે બંનેને પૈસાની જરૂર હતી.
વીમા એજન્ટે જણાવ્યો હતો પ્લાન
વીમો કરવાની સલાહ પંકજ રાઘવ નામના વ્યક્તિએ આપી હતી. પંકજ રાઘવ એક્સિસ બેંકમાં મેક્સ લાઈફ વીમા એજન્ટ છે. રાઘવે બંને ભાઈઓને સારો સિવિલ સ્કોર ન હોવાને કારણે લોન આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ સાથે જ તેણે જણાવ્યું હતું કે, કોઈ દિવ્યાંગ વ્યક્તિ જે મૃત્યુ પામવાની સ્થિતિમાં હોય, તેનો વીમો કરાવો અને પછી તેને મારી નાખો. તમને વીમાનો ક્લેમ મળશે અને લોનની પણ જરૂર નહીં પડશે.
આ પણ વાંચો: 'આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..', PM મોદીનું મોટું નિવેદન
ત્યારબાદ હરિઓમે એક વર્ષની અંદર દિવ્યાંગ વ્યક્તિ પર અનેક વીમા કરાવ્યા અને પછી તેની હત્યા કરાવી નાખી. હરિઓમ અને તેના ભાઈએ પ્રતાપ નામના વ્યક્તિને વિકલાંગ વ્યક્તિને મારવા માટે 50,000 રૂપિયાની સોપારી આપી હતી અને તેના પર કાર ચઢાવીને મારી નાખવા માટે કહ્યું હતું. હત્યા બાદ હરિઓમ અને તેના ભાઈએ વિકલાંગ વ્યક્તિના નામે લીધેલા 50 લાખ રૂપિયાથી વધુના અનેક વીમામાંથી ઘણા પૈસા પચાવી પાડ્યા હતા.
25 લોકોની ધરપકડ
તપાસ બાદ પોલીસ અત્યાર સુધીમાં ગેંગ સાથે સંકળાયેલા 25 લોકોની ધરપકડ કરી ચૂકી છે. ગેંગમાં સામેલ અન્ય આરોપીઓની તલાશ ચાલી રહી છે. આ મામલાની વિગતવાર તપાસ કરવાની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવી છે. પોલીસ ટીમ અન્ય રાજ્યોમાં આ ગેંગ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરાવી રહી છે. પોલીસનો દાવો છે કે, આ પ્રકારના કેસોનો ખુલાસો અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે.