સેનાને સલામ : ઓપરેશન સિંદૂર : આંતકીઓનો કચ્ચરઘાણ
- નરેન્દ્ર મોદીનું મક્કમ વલણ: મહાસત્તાઓ સામે ઝૂક્યા વગર પાક.ને તમાચો
- મધ્યરાત્રીએ 25 મીનીટમાં 24 એર સ્ટ્રાઇક: પાક. પંજાબમાં ચાર, પીઓકેમાં પાંચ આતંકી છાવણીઓ પર મિસાઇલ હૂમલા, 90 આતંકીઓ મોતને ઘાટ ઉતાર્યા, મસૂદ અઝરના પરિવારના 10 લોકોનાં પણ મોત
નવી દિલ્હી : પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે હિન્દુ પર્યટકોની નામ પુછીને હત્યા કરતા આખા દેશમાં ભારે આક્રોશ હતો અને પાકિસ્તાનને ખતમ કરીને બદલો લેવાની માગ થઈ રહી હતી. દેશવાસીઓની માગણી પૂરી કરતા ભારતીય સૈન્યે પાકિસ્તાનની સરહદ ઓળંગ્યા વિના જ મંગળવારે રાતે ઓપરેશન સિંદુર હેઠળ ૧.૦૦ કલાકે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓની ટેરર ફેક્ટરી એવા લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદના નવ સ્થળો પર માત્ર ૨૫ મિનિટમાં ૨૪ મિસાઈલ હુમલા કરીને ૯૦થી વધુ આતંકીઓને ઠાર કરી દીધા હતા. આ સાથે ભારતીય સૈન્યે માત્ર પહલગામ આતંકી હુમલો જ નહીં વર્ષ ૨૦૦૧માં સસદ હુમલાથી પુલવામા સુધીના બધા જ આતંકી હુમલાઓનો બદલો લઈ લીધો છે.
ઉરી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામા હુમલા પછી બાલાકોટ એર સ્ટ્રાઈકનું પુનરાવર્તન કરતા ભારતીય સૈન્ય દળોએ ઓપરેશન સિંદુર હેઠળ મંગળવારે રાત્રે ૧.૦૦થી ૧.૨૫ વચ્ચે માત્ર ૨૫ મિનિટના સૈન્ય અભિયાનમાં પાકિસ્તાનના પંજાબના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદ અને મુરિદકેમાં લશ્કર-એ-તોયબાના મુખ્યાલયો સહિત નવ સ્થળોનો ૨૪ મિસાઈલ હુમલા કરી નાશ કર્યો હતો. આ સાથે સૈન્ય દળોએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદમાં પણ આતંકી છાવણીઓનો નાશ કરી દીધો હતો. પહલગામમાં આતંકીઓએ માત્ર પુરુષોને ટાર્ગેટ કરીને હિન્દુ મહિલાઓને વિધવા બનાવી દીધી હતી, તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સૈન્ય કાર્યવાહીનું નામ 'ઓપરેશન સિંદુર' રાખ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સૈન્યે વિશ્વસનીય ગુપ્તચર માહિતીના આધારે પાકિસ્તાનમાં આતંકીઓના ચાર અને પીઓકેમાં પાંચ સ્થળો પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ મિસાઈલ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના કુખ્યાત આતંકી મસૂદ અઝહરના પરિવારના ૧૦ સભ્યો અને ચાર સાથીઓ સહિત કુલ ૧૪નાં મોત પણ નીપજ્યા છે. પાકિસ્તાનના પંજાબમાં આવેલા બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર હતું, જ્યાં મસૂદ અઝહરનો પરિવાર રહેતો હતો. આ હુમલામાં માર્યા ગયેલા આતંકીઓમાં મસૂદ અઝહરના બે ભાઈઓ, બહેન, બનેવી, ચાર નજીકના સાથી, મૌલાના કાશિફ, તેનો પરિવાર અને મૌલાના અબ્દુલ રઉફની મોટી પુત્રીનો સમાવેશ થાય છે. આ હુમલા પછી મસૂદ અઝહરને એવું કહેતો સાંભળવામાં આવ્યો હતો કે, 'આ હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત.'
ભારતીય નાગરિકો બુધવારે સવારે ઉઠયા ત્યારે ભારતે પહલગામ હુમલાનો બદલો લઈ લીધો હોવાના સુખદ સમાચાર તેમને મળ્યા હતા. પાકિસ્તાનમાં વધુ એક એર સ્ટ્રાઈક પછી ભારત સરકારે મોડી રાતે પ્રેસ રિલિઝમાં પ્રાથમિક વિગતો જાહેર કરી હતી. ત્યાર પછી બુધવારે સવારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી, ભારતીય સૈન્યનાં ગુજરાતી કર્નલ સોફિયા કુરૈશી અને એરફોર્સનાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદુર અંગે દેશવાસીઓને માહિતી આપી હતી.
વિક્રમ મિસરીએ જણાવ્યું કે, ૨૨ એપ્રિલે પહલગામમાં આતંકી હુમલા પછી આ હુમલાનું કાવતરું ઘડનારા આતંકવાદીઓને શોધી કાઢવા અને તેમની સામે કોઈ નક્કર પગલાં લીધા નહોતા. એટલું જ નહીં તેણે ભારતની ઉશ્કેરણી કરતો હોય તેમ ત્રણ દિવસમાં બે મિસાઈલ ટેસ્ટિંગ કર્યું હતું. વધુમાં પાકિસ્તાની નેતાઓ અને મંત્રીઓ પણ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતા હતા. આમ, પાકિસ્તાને તેની જમીન પરથી પાકિસ્તાનનો ખાત્મો બોલાવવા અંગે કોઈ નક્કર પગલાં લીધા નહોતા. તેમમે ઉમેર્યુ ંકે, પાકિસ્તાને તેની ધરતી પરના આતંકી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે કોઈ પગલાં ના લેતાં ભારતે આતંકીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતનું આ પગલું સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિના નિવેદનને અનુરૂપ જ છે.
ઓપરેશન સિંદુરમાં મહત્વની ભૂમિકા ભજવનારાં બે મહિલા અધિકારીઓ આર્મીની કોર્પ્સ ઓફ સિગ્નલ્સના કર્નલ સોફિયા કુરૈશી તથા એરફોર્સનાં મહિલા પાયલોટ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદુરની વિગતો આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓપરેશન પર સતત નજર રાખી હતી. ભારતીય સૈન્યે ખૂબ જ ચોક્કસાઈપૂર્વક બિનઉશ્કેરણીપૂર્વક આતંકી સ્થળો પર મિસાઈલ હુમલા કર્યા હતા. ભારતે આતંકીઓ સામે બદલો લેતી વખતે પાકિસ્તાની સૈન્યના સ્થળો પર કોઈ હુમલો કર્યો નથી.