Get The App

સૈફ અલી ખાનને ભોપાલની 15,000 કરોડની પ્રોપર્ટીની આશા છોડી દેવી પડશે

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
સૈફ અલી ખાનને ભોપાલની 15,000 કરોડની પ્રોપર્ટીની આશા છોડી દેવી પડશે 1 - image


- ભારતના શત્રુ સંપત્તિના કાયદા હેઠળ એમપી હાઈકોર્ટનો ચુકાદો

- સૈફના દાદીના પિતા ભોપાલના છેલ્લાં નવાબ હતા, તેમના એક દીકરી પાકિસ્તાન ચાલ્યા જતાં શત્રુ સંપત્તિ એક્ટ લાગુ પડયો

ભોપાલ : ભોપાલના છેલ્લાં નવાબ હમીદુલ્લા ખાનની દીકરી સાજિદા સુલ્તાને પટૌડીના નવાબ ઈફ્તિખાર અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. ઈફ્તિખારના દીકરા મનસૂર અલી ખાન પટૌડી અને મનસૂર અલી ખાનના દીકરા સૈફ અલી ખાન. સાજિદા સુલ્તાન સૈફ અલી ખાનના દાદી થાય. સાજિદાના બહેન આબિદા સુલ્તાન ભારત-પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને ત્યાંની નાગરિકતા લઈ લીધી હતી. આ ઘટનાએ સૈફ અલી ખાનના હાથમાંથી ૧૫,૦૦૦ કરોડની સંપત્તિ છીનવી લીધી!

ભોપાલના નવાબ હમીદુલ્લા ખાનની ૧૫ હજાર કરોડની સંપત્તિના વારસદારોમાં એક વારસદાર સૈફ અલી ખાન છે. વર્ષો પહેલાં આ સંપત્તિના અન્ય વારસદારોએ કોર્ટમાં અરજી કરી હતી કે સંપત્તિને મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ લાવવામાં આવે. એ કેસ ભોપાલની નીચલી કોર્ટમાં ચાલ્યો. એ કોર્ટે સંપત્તિના કેસનો ચુકાદો સૈફ અલી ખાન અને તેમના પરિવારની તરફેણમાં આપ્યો હતો. ૨૦૦૦ના વર્ષના એ ચુકાદામાં સંપત્તિના વારસદારો તરીકે કોર્ટે સૈફની માતા શર્મિલા ટાગોર, સૈફ અને સૈફની બહેનો સબા અલી ખાન અને સોહા અલી ખાનને માન્ય ગણ્યા હતા.

તેની સામે અન્ય વારસદારો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા અને સંપત્તિને મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ લાવવાની માગણી કરી હતી. એનો ચુકાદો હવે આવ્યો છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એ સંપત્તિ સૈફ અલીના પરિવારની કે ભોપાલના છેલ્લા નવાબના અન્ય કોઈ વારસદારોની ગણવાને બદલે તેને શત્રુ સંપત્તિ ગણી હતી. શત્રુ સંપત્તિના કાયદા પ્રમાણે ભારતમાં સંપત્તિ ધરાવનાર નાગરિક પાકિસ્તાનની નાગરિકતા મેળવે કે તેમના કોઈ વંશજો પણ પાકિસ્તાનની નાગરિકતા મેળવે તો ભારત સ્થિત તેમની સંપત્તિ સરકારના કબજામાં આવી જાય છે. ૧૯૬૯ના આ કાયદાના કારણે સૈફ અલી ખાને ૧૫૦૦૦ કરોડની સંપત્તિમાંથી હાથ ધોવા પડયા છે.

મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા સામે ૨૦૧૫માં સૈફ અલી ખાને સ્ટે લીધો હતો. ૨૦૨૪માં એ સ્ટે હટી ગયો હતો અને કોર્ટે સૈફ અલી ખાનને ફરીથી દાવો કરવા માટે એક વર્ષનો સમય આપ્યો હતો. એ સમય વીતી ગયો હોવાથી ફરી આ સંપત્તિનો વિવાદ ચર્ચામાં છે.

શત્રુ સંપત્તિ કાયદો શું છે?

ઈન્દિરા ગાંધીની સરકારે ૧૯૬૯માં સંસદમાં એનિમી પ્રોપર્ટી એક્ટ યાને શત્રુ સંપત્તિ કાયદો ઘડયો હતો. ૧૯૬૫માં પાકિસ્તાન સામેના યુદ્ધ બાદ દેશમાં પાકિસ્તાન જતાં રહ્યાં હોય એવા નાગરિકોની સંપત્તિ સરકાર હેઠળ લાવવા માટે કાયદો ઘડવાની હિમાયત થતી હતી. ૧૯૬૮માં એનું ડ્રાફ્ટિંગ થયું હતું. એ પછી ૧૯૬૯માં શત્રુ સંપત્તિ એક્ટ લાગુ કરાયો હતો. આ કાયદા હેઠળ સંપત્તિના મૂળ માલિક કે પછી તેમના વંશજોમાંથી જો કોઈ વ્યક્તિએ પાકિસ્તાનની નાગરિકતા મેળવી હોય તો તેમની સંપત્તિને આ કાયદા હેઠળ સરકાર કબજામાં લઈ શકે છે. 

Tags :