Saharanpur: ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકોની ઓળખ અશોક, અજિતા, કાર્તિક, વિદ્યાવતી અને દેવ તરીકે થઈ છે. પ્રારંભિક તપાસમાં ગોળી લાગવાના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બની ગયો છે.
આ સનસનીખેજ ઘટના સરસાવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કૌશિક બિહાર કોલોનીમાં બની હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામીણોની ભારે ભીડ ઘટના સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. ગ્રામીણ પોલીસ અધિક્ષક સાગર જૈન મોટી પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ તમામ એંગલથી આ કેસની તપાસ કરી રહી છે. DIG અભિષેક સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. રૂમમાંથી ત્રણ પિસ્તોલ મળી આવી હતી. પોલીસે મૃતકના મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધા છે.
છાતી અને માથા પર ગોળીઓના નિશાન
પ્રાથમિક તપાસમાં અશોકની છાતી અને બાળકોના માથા પર ગોળીઓના નિશાન દેખાયા છે. માતા અને પત્નીને પણ ગોળી વાગી છે. આવી સ્થિતિમાં પોલીસ હત્યા અને આત્મહત્યા બંને એંગલ પર તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘર સીલ કરી દીધું છે. પિતાના મૃત્યુ પછી અશોકને મૃતક આશ્રિતોના ક્વોટામાં નોકરી મળી હતી. તે નકુડ તાલુકામાં કામ કરતો હતો.
શાંત સ્વભાવનો હતો પરિવાર
પુત્ર દેવ શહેરની MTS પબ્લિક સ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યારે કાર્તિક નકુડના એક ઈન્ટર-કોલેજમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. પાડોસીઓનું કહેવું છે કે પરિવાર શાંતિ સ્વભાવનો હતો. તેમનો કોઈની સાથે કોઈ વિવાદ નહોતો. આવી સ્થિતિમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે, આખરે આ પરિવાર સાથે થયુ શું હતું?
નજીકથી મારવામાં આવી છે ગોળી
ઘટનાસ્થળે પહોંચેલા સહારનપુરના SSP/DIG આશિષ તિવારીએ જણાવ્યું કે, સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પાંચેય મૃતદેહો એક જ રૂમમાં મળી આવ્યા હતા. અમીનના પદ પર તહેનાત મૃતક અશોક રાઠીની માતા, તેમની પત્ની અને બે પુત્રોના મૃતદેહ ત્યાંથી મળી આવ્યા હતા. અશોક રાઠીના મૃતદેહની નજીકથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ પિસ્તોલ લાઈસન્સ વાળી તો ન હોઈ શકે. ગોળી પોઈન્ટ બ્લેન્ક રેન્જ (નજીકથી)થી ચલાવવામાં આવી હતી. તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ આ કેસ આત્મહત્યાનો લાગી રહ્યો છે. ફોરેન્સિક ટીમ તથ્યો એકઠા કરી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં કેસનો ખુલાસો કરવામાં આવશે.


