'ભારત નહીં, ચીન રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે', મોસ્કોથી જયશંકરનો ટ્રમ્પને જવાબ
S Jaishankar In Moscow: વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ગુરુવારે મોસ્કોમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. તેમણે અમેરિકા દ્વારા રશિયામાંથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર ટેરિફ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, ભારત માટે (અમેરિકાનો) આ તર્ક સમજવો અત્યંત હેરાન કરનારો છે.
જયશંકરે જણાવ્યું કે, ભારત રશિયાનો સૌથી મોટો ક્રૂડ ખરીદદાર દેશ નથી. તે ચીન છે. ભારત એલએનજીનો પણ સૌથી મોટો ખરીદદાર નથી. તે યુરોપિયન યુનિયન છે. વધુમાં 2022 બાદથી રશિયા સાથે વેપાર વૃદ્ધિમાં પણ ભારત અગ્રેસર નથી. તેમ છતાં અમેરિકાએ આ તમામ દેશોને બાકાત રાખતાં માત્ર ભારત પર જ ટેરિફ લાદ્યો છે.
અમેરિકાએ ચીન પર કેમ ટેરિફ લાદ્યો નહીં
અમેરિકાએ અત્યારસુધી ચીન પર રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ કોઈ પ્રતિબંધ મૂક્યા નથી. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ પણ ભારત પર ટેરિફ લાદવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે કે, ભારતે યુદ્ધ બાદ રશિયા પાસેથી આયાત વધારી બમણો નફો મેળવ્યો છે. જયશંકરે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, અમેરિકા છેલ્લા કેટલાક વર્ષોથી કહી રહ્યું હતું કે, ભારતે વિશ્વ ઊર્જા બજારને સ્થિર બનાવવામાં મદદ કરવી જોઈએ. જેમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદીનો નિર્ણય પણ સામેલ છે. ભારત અમેરિકા પાસેથી પણ ક્રૂડની ખરીદીમાં વધારો કર્યો છે. એવામાં ભારત માટે અમેરિકાનું આ વલણ સમજી શકાતું નથી.
ભારત-રશિયાના ગાઢ સંબંધઃ જયશંકર
એસ. જયશંકરે વધુમાં જણાવ્યું કે, ભારત અને રશિયા વિશ્વમાં સૌથી સ્થિર દ્વિપક્ષીય સંબંધ ધરાવતા દેશો પૈકી એક છે. તેમણે એનર્જી, વેપાર, રોકાણ ક્ષેત્રે સહયોગને મહત્ત્વ આપ્યું છે. સંરક્ષણ અને સૈન્ય તકનીકી સહયોગ પણ મજબૂત બનાવ્યો છે. રશિયાએ ભારતને મેક ઇન ઇન્ડિયા લક્ષ્યોમાં પણ સહયોગ આપ્યો છે.
વેપાર સંતુલન સુધારવાના ઉકેલો
જયશંકરે જણાવ્યું હતું કે, બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાની મહત્ત્વાકાંક્ષાનો પુનરોચ્ચાર કર્યો છે. કૃષિ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા સેક્ટરમાં ભારતની નિકાસને વેગ આપી વેપાર સંતુલન સુધારવામાં મદદ મળશે. ભારત રશિયાનો બીજો સૌથી મોટો ક્રૂડ આયાતકાર છે. રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ ક્રૂડ આયાતમાં વૃદ્ધિ નોંધાઈ છે. જેનાથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.