Get The App

RSS સાથે સંકળાયેલા સંગઠન સાથે ઘરોબો ધરાવનારાના હાથમાં સોંપાઈ શકે છે દિલ્હી યુનિ.ની કમાન, રાષ્ટ્રપતિને મોકલાયા ફક્ત તેમના જ નામ

Updated: Sep 15th, 2021

GS TEAM

Google News
Google News
RSS સાથે સંકળાયેલા સંગઠન સાથે ઘરોબો ધરાવનારાના હાથમાં સોંપાઈ શકે છે દિલ્હી યુનિ.ની કમાન, રાષ્ટ્રપતિને મોકલાયા ફક્ત તેમના જ નામ 1 - image


- પીએમઓમાં નિયુક્તિઓ એટલા માટે પણ અટકી પડે છે કારણ કે તેમને તેમની મરજી પ્રમાણેની વિચારધારા ધરાવતો ઉમેદવાર નથી મળતો તેવો આક્ષેપ

નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર, 2021, બુધવાર

દિલ્હી યુનિવર્સિટીની કમાન આરએસએસ સાથે ઘરોબો ધરાવતા દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના વર્તમાન વાઈસ ચાન્સેલર યોગેશ સિંહના હાથમાં જઈ શકે છે. જાણવા મળ્યા મુજબ સર્ચ એન્ડ સિલેક્શન કમિટીએ જે 5 આવેદકોના નામની ભલામણ કરી હતી તેમાં સિંહનું નામ પણ સામેલ હતું. જોકે એવું પણ કહેવાઈ રહ્યું છે કે, એક જ નામ રાષ્ટ્રપતિ ભવન મોકલવામાં આવ્યું છે અને તે નામ યોગેશ સિંહનું જ છે. સામાન્ય રીતે કમિટી તમામ નામોને રાષ્ટ્રપતિ ભવન મોકલતી હતી. 

યોગેશ સિંહ આરએસએસના સમર્થનવાળા શિક્ષક સંગઠન ભારતીય શિક્ષણ મંડળ સાથે જોડાયેલા છે. 2009માં યોગેશ સિંહની નિયુક્તિ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે થઈ હતી. તે સમયે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. 

નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનના ચેરમેન કેકે અગ્રવાલના કહેવા પ્રમાણે યોગેશ સિંહની કરિયર અત્યાર સુધી ખૂબ જ સારી રહી છે. પુણે યુનિવર્સિટીમાંથી બીટેક પૂરુ કર્યા બાદ તેમણે એનઆઈટીમાંથી એમટેક પૂરૂ કર્યું હતું. 

યોગેશ સિંહ નેતાજી સુભાષ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં ડિસેમ્બર 2014થી જુલાઈ 2017 સુધી ડાયરેક્ટરના પદ પર રહ્યા. 2001થી 2006ના વર્ષ સુધી તેઓ દિલ્હીની ગુરૂ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના ડીન પણ રહી ચુક્યા છે. તેમણે પોતાનું માસ્ટર્સ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં કર્યું છે. તેમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પોતાનું પીએચડી પૂર્ણ કર્યું છે. 

દિલ્હી યુનિવર્સિટીમાં ગત ઓક્ટોબર મહિનાથી કોઈ જ રેગ્યુલર વાઈસ ચાન્સેલર નથી. ગત વર્ષે યોગેશ ત્યાગીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમના પર કામ ન કરવાનો આરોપ હતો. ત્યાર બાદ પીસી જોશીને કાર્યવાહક કુલપતિ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આઈઆઈટી સહિત અનેક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય એવી છે જેમાં લાંબા સમયથી કોઈ સત્તાવાર હેડ નહોતા. સરકાર તરફથી નવી નિયુક્તિઓમાં મોડું થઈ રહ્યું હતું. 

અનેક વરિષ્ઠ અધિકારીઓના કહેવા પ્રમાણે પીએમઓમાં નિયુક્તિઓ એટલા માટે પણ અટકી પડે છે કારણ કે તેમને તેમની મરજી પ્રમાણેની વિચારધારા ધરાવતો ઉમેદવાર નથી મળતો. 

Tags :