Get The App

'ટૅક્નોલૉજીના ગુલામ ન બને માણસ, તેનાથી બચવું અશક્ય અને અયોગ્ય: મોહન ભાગવત

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
'ટૅક્નોલૉજીના ગુલામ ન બને માણસ, તેનાથી બચવું અશક્ય અને અયોગ્ય: મોહન ભાગવત 1 - image


Mohan Bhagwat : RSS પ્રમુખ મોહન ભાગવતે છત્રપતિ સંભાજીનગરમાં કહ્યું કે, ટૅક્નોલૉજીનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થવો જોઈએ, નહીં કે લોકોને તેના ગુલામ બનાવવા માટે. તેમણે યુવા ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદમાં સ્પષ્ટ કર્યું કે, સ્વદેશી અપનાવવાનો અર્થ ટૅક્નોલૉજીને નકારવી એવો નથી અને ટૅક્નોલૉજી પોતે ખરાબ હોતી નથી, બસ તેના પર જરૂરિયાત કરતાં વધુ નિર્ભરતા ન હોવી જોઈએ.

ટૅક્નોલૉજીનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે થવો જોઇએ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે છત્રપતિ સંભાજીનગરમાં ટૅક્નોલૉજીના ઉપયોગ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે ટૅક્નોલૉજીનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થવો જોઈએ, પરંતુ લોકો તેના ગુલામ ન બને. ટૅક્નોલૉજીથી બચવું અશક્ય અને અયોગ્ય બંને છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના પર આપણી નિર્ભરતા એટલી ન વધી જાય કે ટૅક્નોલૉજી જ આપણને નિયંત્રિત લાગે અથવા ટૅક્નોલૉજી વગર માણસ પાંગળો બની જાય.

યુવા ઉદ્યોગસાહસિકો સાથે ભાગવતનો સંવાદ

મોહન ભાગવતે આ વાત યુવા ઉદ્યોગસાહસિકો (young entrepreneurs) સાથેના સંવાદ દરમિયાન કહ્યું કે, 'સ્વદેશી અપનાવવાનો અર્થ ટૅક્નોલૉજીને નકારવી એવો નથી.'  આ સંવાદ RSSના શતાબ્દી વર્ષના સમારોહ અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો. વેપાર અને ઉદ્યોગ માત્ર નફાના હેતુથી ન ચાલવા જોઈએ. "આપણે માત્ર આપણા ફાયદા માટે જ નહીં, પરંતુ સમાજના હિત માટે કામ કરીએ છીએ અને આજીવિકા કમાવવાની સાથે સામાજિક જવાબદારી નિભાવવી પણ જરૂરી છે."

ભારતમાં ખેડૂત માટે ખેતી વ્યવસાય નહીં, કર્તવ્ય છે

કૃષિનું ઉદાહરણ આપતા મોહન ભાગવતે કહ્યું કે, ભારતમાં ખેડૂત ખેતીને માત્ર એક વ્યવસાય નહીં, પરંતુ પોતાનું કર્તવ્ય માને છે. તેમણે કહ્યું કે આ વિચાર દુનિયાના બીજા ભાગોમાં ભાગ્યે જ જોવા મળે છે અને આ જ આપણને શીખવે છે કે આપણું કામ સમાજ માટે હોવું જોઈએ. આધુનિક ટૅક્નોલૉજીને ભારતની સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ અનુરૂપ ઢાળવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ટૅક્નોલૉજી સમાજને નુકસાન ન પહોંચાડે અને રોજગારની તકો પણ ઓછી ન કરે.