Updated: Sep 22nd, 2022
- સીબીઆઇએ કાનપુરમાં વધુ એક કંપનીના કૌભાંડનો પર્દાફાશ કર્યો
- ચારેય કંપનીઓના સરનામા એક જ હતાં અને ચારેયમાં કર્મચારીઓ પણ સમાન હોવાનો સીબીઆઇની તપાસમાં થયેલો ઘટસ્ફોટ
કાનપુર : તપાસ એજન્સી સીબીઆઇએ કાનપુરમાં વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રોટોમેક કંપનીએ ચાર કંપનીઓ સાથે ૨૬૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ખાસ વાત એ છે કે આ ચાર કંપનીઓનું સરનામું એક જ છે અને કર્મચારીઓ પણ સમાન છે.
સીબીઆઇ હવે એ વાતની તપાસ કરી રહી છે કે એક કર્મચારીવાળી કંપનીઓ સાથે બિઝનેસના આધારે રોટોમેકને ૨૧૦૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે રોટોમેકે ચાર કંપનીઓની સાથે ૨૬,૧૪૩ કરોડ રૂપિયાનો બિઝનેસ બતાવ્યો હતો. આ કંપનીઓના સરનામા એક જ છે. જે ૧૫૦૦ વર્ગ ફૂટનો હોલ છે.આશ્ચર્યની વાત એ છે કે આ ચારેય કંપનીઓમાં કર્મચારીએ એ જ છે જે કંપનીનો સીઇઓ પણ છે. આ કંપનીઓની સાથે થઇ રહેલા અબજો રૂપિયાના બિઝનેસના આધારે બેંકોએ ૨૧૦૦ કરોડ રૂપિયાની લોન આપી હતી.
સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે ડાયરેક્ટર વિક્રમ કોઠારી મૃત્યુ પામ્યા છે અને રાહુલ કોઠારીએ અન્ય લોકોની સાથે પોતાની બેલેન્સશીટની સાથે ચેડા કરીને બેંક સાથે છેતરપિંડી કરી હતી અને તેમણે ગેરરીતિ આચરીને લોન લીધી હતી.
પંજાબ નેશનલ બેંકની ફરિયાદ પર સીબીઆઇએ રોટોમેક ગ્લોબલના ડાયરેક્ટર રાહુલ કોઠારી, સાધના કોઠારી અને અજ્ઞાાત અધિકારીઓની વિરુદ્ધ ૯૩ કરોડ રૂપિયાની છેતરપિંડીનો નવો કેસ દાખલ કર્યો છે.
સીબીઆઇના જણાવ્યા અનુસાર રોટોમેક ગુ્રપની સાથે બિઝનેસ કરનારી ચાર કંપનીઓએ કાગળ ઉત્પાદનમાં વપરાતી વસ્તુઓની નિકાસ કરી હતી. આ ચાર કંપનીઓના નામ મેગ્નમ મલ્ટી ટ્રેડ, ટ્રાયમ્ફ ઇન્ટરનેશનલ, પેસિફિક યુનિવર્સલ જનરલ ટ્રેડિંગ અને પેસિફિક ગ્લોબલ રિસોર્સિઝ પ્રાઇવેટ લિમિટેડ છે.