રૂ.16 લાખના ઘરેણાની તફડંચી
બંટી ઓર બબલી ફિલ્મ જોઇને 18 વર્ષના મિત્રોએ ચોરીને અંજામ આપ્યો
ઇન્દોર: ઇન્દોરમા એક ઝવેરાતની દુકાન માંથી ચોરીની દિલચસ્પ ઘટના સામે આવી છે.આ દુકાનમાંથી ૧૬ લાખથી વધુ રકમના ઘરેણાની ચોરી કરવામાં આવી છે.આ ગુનામા પોલીસે ૧૮ વર્ષના ગ્રાફિક ડિઝાઇનર અને તેની મિત્રની ધરપકડ કરી છે.તેઓએ ફિલ્મ બન્ટી અને બબલી જોઇને આ ચોરીને અંજામ આપ્યો હતો.પોલીસે ચોરીના તમામ ઘરેણા જપ્ત કર્યા છે.
રાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૨ ડિસેમ્બરની રાત્રે એક દુકાનમાંથી સોના,ચાંદી અને હીરાના મળીને ૧૬.૧૭ લાખના ઘરેણાની ચોરી થઇ હતી. પોલીસે આ કેસમાં એક યુવક અને યુવતીની ધરપકડ કરી છે.ડીસીપી શ્રીકૃષ્ણ લાલચંદાનીએ કહ્યું કે બન્ને આરોપીની ઉંમર ૧૮ વર્ષ છે. છોકરો ગ્રાફિક ડિઝાઇનર છે અને છોકરી નીટની તૈયારી કરી રહી છે.તેઓ બાળપણથી એક બીજાને જાણે છે.
ડીસીપીએ કહ્યું કે પૂછપરછ દરમિયાન છોકરાએ કહ્યું કે તે આઇટી કંપનીમા પાર્ટટાઇમ ગ્રાફિક ડિઝાઇનર હતો. કંપનીએ એઆઇ ટેકનોલોજી અપનાવતા તેની નોકરી ગઇ હતી. જેના પગલે આર્થિક ભીસમાં આવ્યો હતો. આરોપીઓએ જણાવ્યું હતું કે હિન્દી ફિલ્મ બંટી ઔર બબલી જોઇને ચોરીની યોજના બનાવી હતી.
ચોરી બાદ તેઓ ફરાર થયા હતા. તેઓને ભોપાલથી પકડવામાં આવ્યાં હતાં. આરોપીઓએ કહ્યું કે તેઓએ ચોરીના ઘરેણા વેચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ખરીદદાર તેમને બાળક સમજીને ઓછા નાણા આપી રહ્યાં હતાં. તેઓએ ક્રિસમસની રજા પૂર્ણ થયા બાદ ઘરેણા વેચવાનો નિર્ણય કર્યો હતો.


