રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ
- અનુરાધા પાસવાન યુવકને ફસાવવા નવુનામ ઓળખ અને શહેર પસંદ કરતી
ભોપાલ : લૂટેરી દુલ્હનના નામે મશહુર અનુરાધા પાસવાને ૨૫ માસુમ વરરાજા સાથે છેત્તરપિંડી કરી તેઓના લાખોના ઘરેણા અને રોકડ લઇને ભાગવાના આરોપમાં ધરપકડ કરી છે. તેણી પુરુષોને નકલી લગ્નમાં ફસાવવા માટે નવુ નામ, નવી ઓળખ અને નવુ શહેર પસંદ કરતી હતી. ઘરેણા અને રોકડ લઇને ભાગી જતાં પહેલા, તેણી આદર્શ કન્યા અને પુત્રવધુનો ખેલ ખેલતી હતી.
સવાઇ માધોપોરની પોલીસે અનુરાધાને પકડવા માટે ઉલ્ટો દાવ રમ્યો હતો. બોગસ ગ્રાહક બનીને તેણીને નકલી લગ્ન કરવા માટે ફસાવીને ધરપકડ કરી હતી. ૩૨ વર્ષની લૂટેરી દુલ્હને યૂપી,ભોપાલ અને રાજસ્થાનમાં પોતાની ટોળકી દ્વારા વિવાહ યોગ્ય પુરુષોને લક્ષાંક બનાવતી હતી. તેણી મોબાઇલ પર પોતાનો ફોટો મોકલીને પોતાને એકલી, ગરીબ અને નિરાધાર બતાવીને સહાનુભૂતિ મેળવતી હતી.
તેણી કહેતી હતી કે મારે પિતા નથી, ભાઇ બેરોજગાર છે અને લગ્ન કરવા ઇચ્છે છે પરંતુ ઘરની આર્થિક સ્થિતિ ખરાબ છે.લોકો તેના માસુમ ચહેરા અને વાતોમાં આવી જતાં હતાં. પરંતુ અનુરાધા નકલી લગ્ન ગેંગની લીડર છે. જેનું કામ લોકોને છેતરવાનું છે.
તેની ગેંગના સભ્યો અનુરાધાનો ફોટો અને પ્રોફાઇલ લગ્નમાં રસ ધરાવતા યુવકોને મોકલતા હતાં. આદર્શ જીવનસાથીની શોધમાં રહેતા લોકોને લક્ષાંક બનાવતા હતાં. આ ગેંગના સભ્યો છોકરા છોકરીના લગ્ન કરવવા અલગથી બે લાખ રુપિયા લેતા હતાં.
રીત રિવાજો અનુસાર લગ્ન થયા બાદ પરિવારના દરેક સભ્ય સાથે ખાસ ભાવનાત્મક સબંધ બનાવતી હતી. ભાગવાની યોજનાને અમલમાં મુકવાનો હોય ત્યારે ભોજનમાં નશીલો પદાર્થ ભેળવીને ઘરેણા, રોકડ અને કિંમતી સામાન લઇને ફરાર થતી હતી.