Get The App

કોંગ્રેસના લમણે 'કટ્ટા' મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
કોંગ્રેસના લમણે 'કટ્ટા' મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી 1 - image

બિહાર ચૂંટણીમાં પીએમ મોદીનો મહાગઠબંધન પર આક્ષેપ

એનડીએની સરકાર બિહારમાં એક કરોડ લોકોને રોજગારી આપશે, યુવાનોને રાજ્યમાં જ કામ મળી જશે : પીએમ મોદી

આરા/નવાદા: બિહારમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આ સપ્તાહે થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરા-નવાદામાં જનસભાને સંબોધન કરતા રાજદ, કોંગ્રેસ સહિત મહાગઠબંધન પર આકરો હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, રાજદે કોંગ્રેસના લમણે 'કટ્ટો' મૂકીને મુખ્યમંત્રીપદની ચોરી કરી લીધી છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર બાબા સાહેબ અને પૂર્વ નાયબવડાપ્રધાન બાબુ જગજીવન રામનું આપમાન કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે મહાગઠબંધનમાં ચાલતી ખેંચતાણ પર પણ કટાક્ષ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરામાં જનસભાને સંબોધન કતા કહ્યું, કોંગ્રેસના લમણે 'કટ્ટો' મૂકીને રાજદે મુખ્યમંત્રીનું પદ પોતાના નામે કરાવી લીધું. કોંગ્રેસ અને રાજદમાં આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે. કોંગ્રેસે મનમરજી વિના રાજદ નેતા તેજસ્વી યાદવના મુખ્યમંત્રીપદના દાવાનું સમર્થન કર્યું છે.

તેમણે કહ્યું એનડીએનો સંકલ્પ પત્ર સામાજિક ન્યાયની સાથે બિહારના ચોતરફા વિકાસની ખાતરી આપે છે. આરામાં મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીની સભામાં ઉમટી પડયા હતા. આ બાબત દર્શાવે છે કે જનતા ફરી એક વખત રાજ્યમાં એનડીએની સરકાર બનાવવાનું મન બનાવી ચૂકી છે. તમારા સંતાનોના સપના સાર્થક કરવાની જવાબદારી મારી છે. બિહારના લોકો આ વખતે એનડીએને વિક્રમી બેઠકો આપવા જઈ રહ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું, એક તરફ એનડીએનું પ્રમાણિક ઘોષણા પત્ર છે, બીજી તરફ મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો લોકોની આંખમાં ધૂળ નાંખવા સમાન છે. અમારો સંકલ્પ પત્ર બિહારના યુવાનોને બિહારમાં જ કામ આપશે અને બિહારનું નામ કરશે. આગામી વર્ષોમાં એક કરોડ રોજગાર આપવાની જાહેરાત કરાઈ છે. આ કેવી રીતે થશે તેની યોજના પણ જનતા સામે રજૂ કરી દેવાઈ છે.

તેમણે ઉમેર્યું કે, બિહાર પૂર્વી ભારતનું ટેક્નોલોજી, ટેક્સટાઈલ અને ટુરિઝમનું મોટું સેન્ટર બનશે તે દિવસો દૂર નથી. આ દિલ્હીમાં બેઠેલા લોકો જે ગણિત-ભાગાકાર કરે છે તેમણે અહીં આવીને જોવાની જરૂર છે કે વાસ્તવિક ચિત્ર શું છે. અમારી સરકાર નાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન ભંડોળમાંથી રૂ. ૬,૦૦૦ આપે છે, બિહારની નવી એનડીએ સરકાર પોતાના તરફથી રૂ. ૩,૦૦૦ વધારીને આપશે. અમે જે સંકલ્પ લઈએ છીએ તે પૂરો કરીએ છીએ.