રિયા ચક્રવર્તી અને તેના ભાઈની જામીન અરજી વિશેષ કોર્ટે ફગાવી
- રિયા હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે
મુંબઈ, તા. 11 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તી તેના ભાઈ શૌવિક અને અન્ય ચારની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતાં આવતા સપ્તાહે તેઓ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી તેવી સંભાવના છે. છએ આરોપી સામે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ડ્રગ્સનો કેસ નોંધ્યો છે.
રિયા ચક્રવર્તીના વકિલ સતીશ માનેશિંદેએ કોર્ટની બહાર પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું. એનડીપીએસ સ્પેશ્યલ કોર્ટના આદેશની નકલ મળે પછી અમે આગળના પગલાં વિચારીશું, એમ માનશિંદેએ જણાવ્યું હતું. વધુ રાહત મળે નહીં ત્યાં સુધી રિયા 22 સપ્ટેમ્બર સુધી ભાયખલા મહિલા જેલમાં રહેશે.
વિશેષ એનડીપીએસ કોર્ટના જજ જી.વી. ગુરવ સમક્ષ વિશેષ સરકારી વકિલ અતુલ સરપાંડેએ જામીનનો વિરોધ કરીને જણાવ્યું હતું કે રિયા અને શૌવિકે ડ્રગ્સના પૈસા ચૂકવીને તેની વ્યવસ્થા કરી હતી.
રિયાની જામીન અરજીમાં જણાવ્યું હતું કે તેની પાસેથી કોઈ ડ્રગ્સ કે પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરાઈ નથી. જો કોઆ આરોપ હશે તો તે માત્ર નાની માગમાં છે. પોતે ડ્રગ્સ સંબંધી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલી કે ફાઈનાન્સ કર્યું હોવાનું કે ગુનેગારને મદદ કર્યાનું દર્શાવતા રેકોર્ડ નથી.