1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ
- આઇઆઇટી-ગાંધીનગરના સંશોધનમાં ગંગાના સૂકાવાને ઓછાં વરસાદ સાથે સંબંધ હોવાનો દાવો
- ઐતિહાસિક રેકોર્ડઝ અને 1991થી 2020 દરમ્યાન જળપ્રવાહના મોડેલ્સનો ઉપયોગ કરી 1300 વર્ષના જળપ્રવાહ મોડેલની રચના કરાઇ
નવી દિલ્હી : ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-આઇઆઇટીના સંશાધકોએ કરેલાં અભ્યાસમાં જણાયું છે કે તેરસો વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ રહી હોવાથી તેના તટ પ્રદેશમાં રહેતાં લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા જોખમાઇ રહી છે. આ અભ્યાસના તારણો નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝની જર્નલ પ્રોસિડિંગ્ઝમાં પ્રકાશિત થયા છે જે દર્શાવે છે કે ૧૯૯૧થી ૨૦૨૦ના સમયગાળામાં ગંગા જે રીતે સૂકાઇ છે તે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.
આઇઆઇટી-ગાંધીનગર અને યુએસની એરિઝોન યુનિવર્સિટીના સંશોધકોએ ગંગાની સૂકાવાની ઘટનાને નૈરૂત્યના ચોમાસામાં ઘટી રહેલાં વરસાદ સાથે સાંકળી છે. સંશોધકોની ટીમે ઐતિહાસિક રેકોર્ડઝ અને ૧૯૯૧થી ૨૦૨૦ દરમ્યાન જળપ્રવાહના મોડેલ્સનો ઉપયોગ કરી છેલ્લા ૧૩૦૦ વર્ષના જળપ્રવાહ મોડેલ્સની રચના કરી હતી.
સંશોધકોના જણાવ્યા અનુસાર ૧૯૯૦ના દાયકાથી ગંગાના સૂકાવાને કારણે ૧૬મી સદીના દુકાળ કરતાં ૭૬ટકા વધારે આકરાં દુકાળો વારંવાર પડયા છે. ૧૯૫૧થી ૨૦૨૦ દરમ્યાન કુલ વાર્ષિક વરસાદમાં પણ તેને કારણે ૯.૫ ટકા ઘટાડો અંદાજવામાં આવ્યો છે. જે ભારતના પશ્ચિમ પ્રાંતમાં વરસાદનો ૩૦ ટકાનો ઘટાડો દર્શાવે છે.
સંશોધકોએ ઉમેર્યું હતું કે જળવાયુપરિવર્તનને કારણે વરસાદ વધવાની ધારણાં હોવા છતાં ભારતીય મહાસાગર ઝડપથી હુંફાળો થઇ જતાં અને ઉપખંડમાં પ્રમાણમાં ઓછું ગરમ વાતાવરણ પ્રવર્તવાના પરિણામે ઉત્તર ભારતમાં ચોમાસું નબળું પડી ગયું છે. તેમાં પણ વરસાદ ઓછો પડવાથી ભૂગર્ભ જળસ્રોતો પણ સૂકાઇ રહ્યા હોવાથી તથા સિંચાઇના સ્રોતો ઝડપથી ઘટી રહ્યા હોઇ તેના કારણે પણ ગંગાના સૂકાવા પર અસર પડી રહી છે. અગાઉના અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું હતું કે જળવાયુપરિવર્તનને કારણે હિમશીલાઓ પીગળવાથી અને વરસાદ વધારે પડવાથી ગંગા નદીના તટપ્રદેશમાં જળપ્રવાહ વધશે. જો કે આ સંશોધકોએ જણાવ્યું હતું કે તેમનો અભ્યાસ દર્શાવે છે કે ગરમ ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા દર્શાવવાનું કામ સંકુલ પુરવાર થઇ શકે છે. ચોમાસામાં વરસાદના પડવાને અસર કરતાં અન્ય પરિબળોને સાંકળતા વધુ અભ્યાસો કરવાની જરૂર છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સંશોધકોએ તેમના અભ્યાસના આધારે માંડેલા અંદાજ અનુસાર સૌથી વધારે ગંગાના સૂકાવાનું પ્રમાણ ૧૯૯૧થી ૨૦૨૦માં જણાયું છે, બીજા ક્રમે આવી રીતે ગંગાના સૂકાવાની ઘટના ૧૫૦૧થી ૧૫૩૦ દરમ્યાન બની હશે. જ્યારે ત્રીજા ક્રમે ગંગાના સૂકાવાના સમયગાળો ૧૩૪૪થી ૧૩૭૩ રહ્યો હશે.