મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (Representative Image) |
Rs. 25 lakh Pond Stolen in Madya Pradesh: મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક અનોખી ઘટના બની છે. અહીં ચોરી થઈ છે, પણ સોના-ચાંદી, હીરા-મોતી કે પૈસાની નહીં પણ આખું તળાવ જ ગાયબ થઈ ગયું છે. એક RTI દ્વારા આ રહસ્યમય કિસ્સો બહાર આવ્યો છે, જેમાં જાણવા મળ્યું કે ₹25 લાખના ખર્ચે બનેલુ તળાવ હકીકતમાં અસ્તિત્વમાં જ નથી.
મામલાની ગંભીરતા જોતાં કલેક્ટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા
આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનો તળાવને શોધવા માટે પોલીસ, પ્રશાસન અને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે, પણ હજુ સુધી તળાવનો કોઈ પત્તો મળ્યો નથી. હવે, થાકીને ગામના લોકોએ ઢોલ વગાડીને, તળાવ શોધી આપનારને ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. આ મામલાની ગંભીરતા જોતાં કલેક્ટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

RTIનો ખુલાસો: અમૃત સરોવર યોજનામાં ગોલમાલ
આ ઘટના રીવા જિલ્લાના ચાકઘાટની છે. RTI કાર્યકર્તા લલિત મિશ્ર પાસેથી મળેલી માહિતી મુજબ, 'અમૃત સરોવર' તળાવ ₹24.94 લાખના ખર્ચે 9 ઓગસ્ટ, 2023ના રોજ બનાવવામાં આવ્યું હતું. તે પૂર્વા મનીરામ ગામના કઠૌલી વિસ્તારમાં બનાવવામાં આવ્યું હતું, જે સરકારી દસ્તાવેજોમાં જમીન નંબર 117 પર નોંધાયેલ છે. પૂર્વા મનીરામ ધીરેન્દ્ર તિવારી, જે હાલમાં સરપંચ છે, તે ભાજપના રાયપુર મંડળના ઉપાધ્યક્ષ પણ છે.
પણ હકીકતમાં, તે જગ્યાએ કોઈ તળાવ બનાવવામાં જ નથી આવ્યું. ગામના સરપંચે ફક્ત એક નાળા પર નાનો બંધ બાંધીને પોતાની ખાનગી જમીન (જમીન નંબર 122) પર પાણી ભેગું કર્યું અને તેને તળાવ જેવું બતાવીને ₹24.94 લાખની સરકારી રકમ ઉપાડી લીધી.
જમીન દાનમાં આપીને કૌભાંડ છુપાવવાનો પ્રયાસ
આની ફરિયાદ થતાં, રીવા જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલક અધિકારીએ એક અઠવાડિયાની અંદર સરપંચ પાસેથી આખી રકમ પાછી વસૂલવાના આદેશ આપ્યા. પરંતુ સરપંચે સરકારને ગેરમાર્ગે દોરવા માટે પોતાની ખાનગી જમીનનો એક નાનો ટુકડો સરકારને દાનમાં આપી દીધો.
ચાકઘાટના પોલીસ ઈન્સ્પેક્ટર ઘનશ્યામ તિવારીએ જણાવ્યું કે અમને તળાવ ચોરીની ફરિયાદ મળી છે અને આ એક ગેરરીતિનો મામલો છે. કલેક્ટર પ્રતિભા પાલે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: મરાઠા અનામત અંગે ફડણવીસ સરકાર બરાબરની ફસાઈ, કદાવર મંત્રીએ જ વાંધો ઊઠાવ્યો
ગુમ થયેલા તળાવોની શોધખોળ
આ ઉપરાંત, વિસ્તારના બીજા કેટલાક તળાવ પણ રાતોરાત ગાયબ થઈ ગયા છે. ગામના લોકો કહે છે કે તેઓ તળાવની શોધ ચાલુ રાખી રહ્યા છે અને ઈનામની જાહેરાત કરીને પણ મદદ માંગી રહ્યા છે. પોલીસ અને વહીવટીતંત્ર તપાસ કરી રહ્યા છે, પણ તળાવનો કોઈ પતો લાગતો નથી.









