પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના એલર્ટ
- અમરનાથ યાત્રા વચ્ચે સેનાએ સર્ચ ઓપરેશન ઝડપી બનાવ્યું
- નેપાળના રાષ્ટ્રપતિના સલાહકારે ભારતીય એજન્સીઓને એલર્ટ કરી : પાક. નેપાળની સરહદેથી આતંકીઓ ભારતમાં ઘૂસાડી હુમલાની ફિરાકમાં
Pahalgam news : સુરક્ષાદળોએ જમ્મુ પ્રાંતને આતંકવાદ મૂક્ત બનાવવા માટે મહાભિયાન શરૂ કરી દીધુ છે, જેના ભાગરૂપે કઠુઆ, કિશ્તવાડ, રાજૌરી, પુંચ અને રિયાસીના પર્વતીય વિસ્તારોમાં આતંકીઓની શોધખોળ ઝડપી બનાવાઇ છે. સત્તાવાર રીતે સક્રિય આતંકીઓના આંકડા જાહેર નથી કરાયા પરંતુ આ સંખ્યા 60 આસપાસ હોવાની શક્યતાઓ છે. આ તમામ આતંકીઓ ત્રણથી પાંચની ટોળકી બનાવીને સ્થળ બદલતા રહે છે. આ આતંકીઓની એકાદી ટોળકીમાં પહલગામના હુમલાખોર આતંકીઓ હોવાની પણ શક્યતા છે. જ્યારે નેપાળ સરહદેથી પાકિસ્તાન આતંકીઓ ઘૂસાડવાની ફિરાકમાં હોવાના પણ અહેવાલો મળ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ પ્રાંતમાં સક્રિય આતંકીઓમાં લગભગ 80 ટકા આતંકીઓ પાકિસ્તાની છે, આ તમામ આતંકીઓની સામે રાજૌરી, પુંચ, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં વિવિધ જિલ્લાઓમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જ્યારે ગાંદરબલ પોલીસે પીઓકેમાં સક્રિય ત્રણ આતંકીઓની સંપત્તિને જપ્ત કરી લીધી છે. પોલીસને જાણકારી મળી છે કે આ ત્રણેય આતંકીઓ હજુ પણ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં સક્રિય છે અને જમ્મુ કાશ્મીરમાં હુમલાની ફિરાકમાં છે તેની કાશ્મીરમાં આવેલી ત્રણ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઇ છે.
બીજી તરફ નેપાળના રાષ્ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદુર થાપાએ પાકિસ્તાનના આતંકવાદને સમગ્ર પ્રાંત માટે ઘાતક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનના આતંકી સંગઠનો જેમ કે જૈશ-લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ ભારતમાં અનેક હુમલાઓ માટે જવાબદાર છે. આ સંગઠનો નેપાળના માર્ગનો ઉપયોગ ભારતમાં ઘૂસણખોરી માટે કરી શકે છે. કાઠમાંડુમાં નેપાળ ઇન્સ્ટીટયૂટ ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ એંગેજમેન્ટના કાર્યક્રમમાં આ વાત તેમણે કરી હતી.
નેપાળના રાષ્ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદુર થાપાની આ ચેતવણી બાદ એજન્સીઓ સક્રિય છે સાથે જ નેપાળ અને ભારત સરહદે સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને ચેકપોઇન્ટ પર ચાંપતી નજર રાખવામાં આવી શકે છે. ભારત અને નેપાળની વચ્ચે એક મોટો વિસ્તાર ખુલ્લો છે, આતંકીઓ તેનો ફાયદો ઉઠાવીને પણ ભારતમાં પ્રવેશ કરીને મોટા હુમલાને અંજામ આપી શકે છે તેવી ચેતવણી નેપાળના આ વરીષ્ઠ નેતાએ આપી છે. તેમણે સાથે જ સલાહ આપી હતી કે આતંકીઓને રોકવા માટે કે તેમના પર નજર રાખવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઇએ.