Get The App

વારંવાર એસેસમેન્ટ કરવું ટોર્ચર છે ઇન્કમટેક્સ વિભાગને રૂ. બે લાખનો દંડ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
વારંવાર એસેસમેન્ટ કરવું ટોર્ચર છે ઇન્કમટેક્સ વિભાગને રૂ. બે લાખનો દંડ 1 - image

- NDTVના સ્થાપક પ્રણય રોય, રાધિકા રોયને આઈટી દ્વારા હેરાન કરવાના મામલે

- રોય દંપત્તિ સામેની આઇટી વિભાગની નોટિસને મનમાનીભરી કાર્યવાહી ગણાવીને દિલ્હી હાઇકોર્ટે ફગાવી

- 2009-2010ના આઇટી રિટર્નનું 2011માં એસેસમેન્ટ થયું, 2016માં ફરી આ જ કાર્યવાહી માટે નોટિસ પાઠવાઇ હતી

નવી દિલ્હી : એનડીટીવીના સ્થાપક અને પૂર્વ માલિક પ્રણય રોય અને રાધિકા રોય સામે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ૨૦૧૬માં રિએસેસમેન્ટની જે નોટિસ પાઠવવામાં આવી હતી તેને દિલ્હી હાઇકોર્ટે રદ કરી દીધી છે. એટલુ જ નહીં આ નોટિસ મોકલવા બદલ ઇન્કમટેક્સ વિભાગને હાઇકોર્ટે બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો જે પ્રણય રોય અને રાધિકા રોયને ટોકન ખર્ચ તરીકે આપવા આદેશ કર્યો હતો.  

આ સમગ્ર મામલો આરઆરપીઆર હોલ્ડિંગ પ્રા. લિ. સાથે સંકળાયેલો છે જેમાં પ્રણય રોય અને રાધિકા રોય ડાયરેક્ટર હતા અને ૫૦ ટકા શેર હોલ્ડર પણ હતા. વર્ષ ૨૦૦૯-૨૦૧૦ના એસેસમેન્ટ માટે આઇટી વિભાગે ૨૦૧૧માં એસેસમેન્ટ ફરી ખોલ્યું હતું, એનડીટીવીના શેરની ખરીદી અને વેચાણ તેમજ આરઆરપીઆર પાસેથી લીધેલી લોનની તપાસ કરવામાં આવી હતી. દસ્તાવેજોની સંપૂર્ણ છણાવટ બાદ, રોય દંપતિનું સ્પષ્ટિકરણ લીધા  બાદ માર્ચ ૨૦૧૩માં રિએસેસમેન્ટ લોનના મુદ્દા પર કોઇ જ વધારા વગર પૂર્ણ કરાયું હતું.  

જોકે બાદમાં અચાનક જ ૨૦૧૬માં આઇટી વિભાગે નવેસરથી રિએસેસમેન્ટ શરૂ કરવા માટે નોટિસ મોકલી હતી. પ્રણય રોય અને રાધિકા રોય બન્નેએ પોતાની આવક ૧.૬૬ કરોડ જાહેર કરી હતી જેને આઇટી વિભાગે સ્વીકારી લીધી હતી અને બાદમાં ૨૦૧૬માં ફરી કાર્યવાહી શરૂ કરી હતી.

 વળી આ કાર્યવાહી પણ વર્ષ ૨૦૦૯-૨૦૧૦ના આઇટી રિટર્ન સાથે જ જોડાયેલી હતી. આ વખતે આઇટી વિભાગે આઇટી એક્ટની વધુ એક કલમનો ઉપયોગ કરીને વ્યાજ મૂક્ત લોન પર કાલ્પનિક વ્યાજ પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આઇટી વિભાગની આ કાર્યવાહીને રોય દંપત્તિ દ્વારા હાઇકોર્ટમાં પડકારાઇ હતી. 

હાઇકોર્ટમાં રોય દંપત્તિના વકીલ સચિત્ર જોલીએ એવી દલીલ કરી હતી કે આ મામલાની અગાઉ જ તપાસ કરી લેવામાં આવી ચુકી છે. એક જ ટ્રાન્ઝેક્શનને વારંવાર ચકાસવામાં આવી રહ્યું છે જે યોગ્ય નથી.

 આ દલીલનો હાઇકોર્ટે સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે એક જ ટ્રાન્ઝેક્શનને અલગ અલગ નજરથી ચકાસવા માટે નક્કી કરાયેલુ એસેસેમેન્ટ વારંવાર ના ખોલી શકાય.

 આ મામલામાં મનમાનીભર્યું વલણ દાખવવામાં આવ્યું છે. જે ભારતના બંધારણના આર્ટિકલ ૧૪, આર્ટિકલ ૧૯ (૧)(જી), આર્ટિકલ ૩૦૦એ હેઠળ અરજદારના મૌલિક અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે.