સંસદ બહાર સવાલ કરતા જ કોંગ્રેસના મહિલા સાંસદે કર્યું ‘ભાઉ ભાઉ’, જુઓ શું હતું કારણ

Renuka Chowdhury On Dog Controversy: સંસદ ભવન પરિસરમાં પોતાની કારમાં શ્વાન લાવ્યા બાદ કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી વિવાદોમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યસભામાં તેમની વિરુદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. જો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ વિવાદ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘એવું લાગે છે કે આજકાલ આ જ ચર્ચાનો વિષય બની ગયો છે.’
આજે સંસદ બહાર જ્યારે રેણુકા ચૌધરીને આ અંગે પત્રકારો દ્વારા સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું ‘ભાઉ ભાઉ, બીજુ શું બોલું.’ આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવામાં આવશે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે ‘જ્યારે આવશે ત્યારે જડબાતોડ જવાબ આપીશ.’
રેણુકા ચૌધરીની સ્પષ્ટતા અને રાહુલ ગાંધીનો કટાક્ષ
આ અંગે રેણુકા ચૌધરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'જો તેઓ મારી વિરુદ્ધ વિશેષાધિકાર હનનો પ્રસ્તાવ લાવવા માગતા હોય તો લાવવા દો મને કોઈ ફરક નથી પડતો. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ સંસદમાં બળદગાડું લઈને આવ્યા હતા. હિન્દુ ધર્મમાં શ્વાનનું ખૂબ મહત્વ છે. એવો કોઈ નિયમ નથી જેનું મેં ઉલ્લંઘન કર્યું હોય. મને કોઈ ફરક નથી પડતો.'
આ મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કટાક્ષમાં કહ્યું હતું કે, 'મને લાગે છે કે આજકાલ આવી બાબતો જ દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.'
આ નાટકબાજીથી વિશેષ કંઈ નથીઃ ભાજપ
આ અંગે ભાજપ સહિતના શાસક પક્ષના સાંસદોએ તેમના પર નાટક કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે રેણુકા ચૌધરીએ કહ્યું કે, 'જે લોકો અંદર બેઠા છે તેઓ કરડે છે, શ્વાન કરડતા નથી. હું રખડતા પ્રાણીને ઉઠાવીને પશુચિકિત્સક પાસે લઈ જઈ રહી હતી. આ સરકારને પ્રાણીઓ જ પસંદ નથી. રખડતા શ્વાનને બચાવવા વિરુદ્ધ કોઈ કાયદો નથી. આ શ્વાન કારમાં છે, તો પછી તેમને શું સમસ્યા છે? તે ખૂબ નાનું છે, શું તમને લાગે છે કે તે કરડશે? સંસદની અંદર બેઠેલા લોકો કરડે છે, શ્વાન નહીં.'

