વિદ્યાર્થીઓને રાહત : સીબીએસસીની ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વખત લેવાશે !

- નવી નેશનલ એજયુકેશન પોલિસીની ભલામણોને આધારે નિર્ણય
- પ્રથમ વખત ફેબુ્રઆરીમાં લેવાનારી પરીક્ષા ફરજિયાત જ્યારે બીજી વખત મેમાં લેવાનારી પરીક્ષા મરજિયાત રહેશે
નવી દિલ્હી : ૨૦૨૬થી સીબીએસઇના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત પરીક્ષા આપી શકશે. જો કે આ માટે વિદ્યાર્થીઓએ ફેબુ્રઆરીમાં લેવાનારી પ્રથમ પરીક્ષા ફરજિયાતપણે આપવી પડશે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
બીજી વખત મે મહિનામાં પરીક્ષા લેવામાં આવશે. બીજી વખત લેવામાં આવનારી પરીક્ષા મરજિયાત રહેશે. પોતાનો દેખાવ સુધારવા માંગતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. જો વિદ્યાર્થી બંને પરીક્ષા આપશે તો બેમાંથી જે પરીક્ષામાં વધારે ગુણ આવ્યા હશે તે પરીક્ષાની માર્કશીટ માન્ય ગણાશે.
ઉલ્લેખનીય છે કે નવી નેશનલ એજયુકેશન પોલિસી (એનઇપી)માં વર્ષમાં બે વખત પરીક્ષા લેવાની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણને આધારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ)એ ધો.૧૦ની બોર્ડની પરીક્ષા બે વખત લેવા મંજૂરી આપી છે.
સીબીએસઇ એક્ઝામિનેશન કન્ટ્રોલર સન્યમ ભારદ્વાજે જણાવ્યું હતું કે પ્રથમ પરીક્ષા ફેબુ્રઆરીમાં લેવામાં આવશે જ્યારે બીજી પરીક્ષા મે મહિનામાં લેવાશે. પ્રથમ પરીક્ષાનું પરિણામ એપ્રિલમાં જ્યારે બીજી પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે પ્રથમ પરીક્ષા આપવી ફરજિયાત છે જ્યારે બીજી પરીક્ષા આપવી મરજિયાત છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાાન, ગણિત, સામાજિક વિજ્ઞાાન અને ભાષાઓમાંથી કોઇ પણ ત્રણ વિષયમાં માર્ક સુધારવાની પરવાનગી આપવામાં આવશે.
પ્રથમ વખતની પરીક્ષાને ફરજિયાત બનાવવા પાછળનું કારણ પૂછવામાં આવતા સીબીએસઇના ચેરમેન રાહુલ સિંહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને ગંભીરતાથી લે તે સુનિશ્ચિત કરવાનો છે અને બોર્ડની પરીક્ષાની પવિત્રતા જાળવવાનો છે.
તેમણે જણાવ્યું હતું કે જો કોઇ વિદ્યાર્થી પ્રથમ વખતની પરીક્ષામાં ત્રણ કે તેથી વધારે વિષયોની પરીક્ષા આપતો નથી તો તે બીજી વખતની પરીક્ષા આપી શકશે નહીં. આવા વિદ્યાર્થીઓ આગામી વર્ષે ફેબુ્રઆરીમાં પરીક્ષા આપી શકશે.








