- ત્રણ વર્ષમાં જિલ્લા હોસ્પિટલોમાં 200 કેન્સર ડે-કેર સેન્ટર ખોલશે
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે સામાન્ય બજેટ રજૂ કરતાં કેન્સર અને અન્ય કેટલીક ગંભીર બીમારીઓની ૩૬ દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ બજેટમાં ૩૬ દવાઓ પર કસ્ટમ ડયુટીમાં સંપૂર્ણ માફીની દરખાસ્ત કરી છે, જેને પગલે આ દવાઓ સસ્તી થશે. અગાઉ સરકારે ટ્રાસ્ટુઝુમેબ ડેરક્સટેકન, ઓસિમિર્ટિનિબ અને ડુર્વાલુમેબ પર ૧૦ ટકા કસ્ટમ ડયુટી શૂન્ય કરી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારામને સતત આઠમું બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, દર્દીઓ વિશેષરૂપે કેન્સર, દુર્લભ બીમારીઓ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને રાહત આપવા માટે જીવનરક્ષક ૩૬ દવાઓને બેઝિક કસ્ટમ્સ ડયુટી (બીસીડી)માંથી સંપૂર્ણ માફી આપવાની દરખાસ્ત કરવામાં આવે છે.
તેમણે કસ્ટમ ડયુટીમાં પાંચ ટકાની રાહત મેળવતી દવાઓની યાદીમાં છ જીવન રક્ષક દવાઓ ઉમેરવાની દરખાસ્ત કરી હતી. ઉપરોક્ત દવાઓના જથ્થાબંધ ઉત્પાદન માટે સંપૂર્ણ મુક્તિ અને રાહત ડયુટી પણ લાગુ પડશે. દવાની કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા દર્દી સહાયતા કાર્યક્રમો હેઠળની ચોક્કસ દવાઓને બીસીડીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે. આ દવાઓ દર્દીઓને મફત અપાય છે. હું ૧૩ નવા દર્દી સહાય કાર્યક્રમો સાથે ૩૭ દવાઓ ઉમેરવાની દરખાસ્ત કરું છું.
સરકાર આગામી ત્રણ વર્ષમાં બધી જ જિલ્લા હોસ્પિટલોમાં ૨૦૦ કેન્સર ડે-કેર સેન્ટર ખોલશે. તેમણે જાહેરાત કરી કે ગીગ વર્કર્સ (ફ્રિલાન્સ કામ કરનારા લોકો)ને પીએમ જન આરોગ્ય યોજના હેઠળ સ્વાસ્થ્ય સુવિધાઓ અપાશે. આ સિવાય બહધી જ સરકારી સેકન્ડરી સ્કૂલો અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સાથે જોડાશે.
સરકાર આગામી ત્રણ વર્ષમાં બધી જ જિલ્લા હોસ્પિટલોમાં ૨૦૦ કેન્સર ડે-કેર સેન્ટર ખોલશે. નાણામંત્રી સીતારામને જણાવ્યું હતું કે, સરકાર 'હીલ ઈન ઈન્ડિયા' યોજના હેઠળ મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપશે અને વિઝા પ્રક્રિયા સરળ બનાવશે. ભારતમાં મેડિકલ ટુરિઝમને ખાનગી ક્ષેત્રના સહયોગથી પ્રોત્સાહન અપાશે.


