mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કતારમાં ફાંસીની સજા પામેલા 8 પૂર્વ નેવી અધિકારીઓનો છૂટકારો

Updated: Feb 13th, 2024

કતારમાં ફાંસીની સજા પામેલા 8 પૂર્વ નેવી અધિકારીઓનો છૂટકારો 1 - image


- ભારતીયોને જાસુસીના ખોટા કેસમાં ફાંસીની સજા આપી હતી, સાત ભારતીયો સ્વદેશ પરત

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કેસનું જાતે મોનિટરિંગ કરી રહ્યા હતા, તમામ ભારતીયો પરત આવી ગયા છે : વિદેશ સચિવ

- પૂર્વ નેવી અધિકારીઓની 2022માં ધરપકડ કરાઇ હતી, તેમની મૂક્તિ બાદ હવે મોદી બુધવારે કતાર જશે

- સમગ્ર દેશ માટે ખુશીની આ પળોમાં અમે પણ દેશવાસીઓની સાથે છીએ : કોંગ્રેસે પણ સ્વાગત કર્યું

દોહા : કતારમાં ભારતના આઠ પૂર્વ નેવી અધિકારીઓની સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી અને તેમને જાસૂસીના જુઠા કેસમાં ફાંસીની સજા ફટકારી દીધી હતી. આશરે અઢાર મહિના સુધી કેદ રહેલા આ તમામ ભારતીય પૂર્વ અધિકારીઓને આખરે કતાર સરકાર દ્વારા છોડી મુકવામાં આવ્યા છે. જે ભારત માટે મોટી જીત માનવામાં આવે છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ બન્નેએ આ પગલાનું સ્વાગત કર્યું છે. આ તમામ અધિકારીઓ એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા, જ્યાં તેમના પર જાસૂસીનો આરોપ લગાવીને સ્થાનિક પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતારમાં દાહરા ગ્લોબલ કંપનીમાં કામ કરતા આઠ ભારતીયોને છોડી મુકવાના કતારના નિર્ણયનું ભારત સ્વાગત કરે છે. આ આઠમાંથી સાત પૂર્વ અધિકારીઓ ભારત પરત આવી ગયા છે. અગાઉ આ તમામ ભારતીયોને ફાંસીની સજા આપવામાં આવી હતી. જોકે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઇમાં કોપ૨૮ની બેઠકમાં કતારના પ્રમુખ શેખ તામિમ બિન હમદ અલ થાનીને મળ્યા હતા. જે દરમિયાન આ સમગ્ર મામલાને લઇને બન્ને દેશો વચ્ચે વાટાઘાટો થઇ હતી. બાદમાં આ પૂર્વ નેવી અધિકારીઓની સજાને ઘટાડી દેવામાં આવી હતી. તેમ છતા ભારતે દબાણ ચાલુ રાખ્યું હતું અને અંતે તેમને છોડાવવામાં મોટી સફળતા મળી છે. 

ઓગસ્ટ ૨૦૨૨ના રોજ આ પૂર્વ નેવી અધિકારીઓની કતારમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ તે સમયે કતારમાં સ્થિત ખાનગી કંપની અલ દાહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસમાં કામ કરી રહ્યા હતા. તેમની સામે ગયા વર્ષે માર્ચ મહિનામાં આરોપો ઘડાયા હતા, જોકે તેને જાહેર કરવામાં નહોતા આવ્યા. કતારી કાયદા હેઠળ તેમની સામે જાસૂસીના એક જુઠા કેસમાં કાર્યવાહી ચાલી રહી હતી. ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને ફાંસીની સજા અપાઇ હતી. જે બાદ અપીલ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો, અપીલ કોર્ટે ફાંસીની સજાને ઘટાડી દીધી હતી અને ૧૦થી ૨૫ વર્ષ સુધીની કેદની સજા અપાઇ હતી. જેની  સામે અપીલ કરવા તેમને ૬૦ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. અંતે આ તમામને છોડી મુકવાનો નિર્ણય લેવાયો હતો. 

આ તમામ પૂર્વ નેવી અધિકારીઓ છે, જેઓ નિવૃત્તિ બાદ આ કંપનીમાં કામ કરતા હતા, તેમના નામ કેપ્ટન નવતેજ ગિલ, સૌરભ વસિષ્ટ, કમાન્ડર્સ પુરનેંદુ તિવારી, અમિત નાગપાલ, એસકે ગુપ્તા, બીકે વર્મા અને સુગુનાકર પકાલા તેમજ સૈલર રાગેશનો સમાવેશ થાય છે. કેપ્ટન નવતેજ ગિલને રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ મળ્યો હતો. તમામને અચાનક જ કતારની કોર્ટે ફાંસીની સજા આપી હતી. જેને કારણે ભારતમાં સૌ કોઇ ચોંકી ઉઠયા હતા. બાદમાં ભારત સરકાર દ્વારા તેમને છોડાવવાનો પ્રયાસ શરૂ થયો હતો અને અંતે મોટી સફળતા મળી છે. સરકારે આ પગલાનું સ્વાગત કર્યું છે. જ્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે તમામ પૂર્વ નેવી અધિકારીઓને મૂક્ત કર્યા બાદ મળેલી રાહતનું સમગ્ર દેશ સાથે કોંગ્રેસ પણ સ્વાગત કરે છે. 

જ્યારે વિદેશ સચિવ વિનય મોહને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇની યાત્રા પૂર્ણ થયા બાદ તેઓ કતાર માટે પણ રવાના થશે. બુધવારે મોદી કતારની મૂલાકાત લે તેવી શક્યતાઓ છે. સાથે તેમણે કહ્યું હતું કે કતારમાંથી ભારતીયોને છોડાવવાના કેસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા હતા. કતારમાં આશરે ૮.૪ લાખ ભારતીયો રહે છે. એવામાં આ આઠ ભારતીયોને છોડી મુકવાના નિર્ણયથી ભારત અને કતાર વચ્ચેની મિત્રતા વધુ મજબૂત થશે. થોડા દિવસ પહેલા જ ભારત અને કતારની વચ્ચે ૭૮ બિલિયન ડોલરની ડીલ થઇ હતી, જેમાં ભારત કતાર પાસેથી વધુ ૨૦ વર્ષ સુધી એલએનજી ગેસની ખરીદી કરશે.   

Gujarat