Get The App

ગભરાશો નહીં, તમારી પાસે રૂ.2000ની નોટ હોય તો આટલું કરવાનું રહેશે

RBIએ ક્લીન નોટ પોલિસી હેઠળ દેશમાં 2000ની નોટો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે

23 મેથી 30 સપ્ટે. સુધીમાં બેંકમાં રૂ.2000ની નોટ જમા કે બદલાવી શકાશે

Updated: May 19th, 2023

GS TEAM

Google News
Google News
ગભરાશો નહીં, તમારી પાસે રૂ.2000ની નોટ હોય તો આટલું કરવાનું રહેશે 1 - image

નવી દિલ્હી, તા.19 મે-2023, શુક્રવાર

હવે માર્કેટમાં 2000 રૂપિયાની નોટો નહીં ચાલે... ભારતીય રિઝર્વ બેંકે એક સર્ક્યુલર બહાર પાડીને સ્પષ્ટ કહ્યું છે કે, તે 2000 રૂપિયાની નોટો પરત ખેંચશે. જોકે RBI તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણયથી સામાન્ય લોકોએ પરેશાન થવાની બિલકુલ જરૂર નથી. RBIએ ક્લીન નોટ પોલિસી હેઠળ આ નિર્ણય લીધો છે. 30 સપ્ટેમ્બર સુધીમાં આ નોટોને પરત કરી શકાય છે. જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે, તો ગભરાવો નહીં, જાણો હવે તમારે શું કરવાનું છે ?

ગભરાવો નહીં, કોઈ સમસ્યા નહીં થાય

RBIએ એક ટાઈમ ફ્રેમ સેટ કર્યો છે, જે મુજબ તમે તમારી 2000 રૂપિયાની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવી શકો છો. આમ કરવાથી તમારા નાણાંની વેલ્યુ સમાપ્ત નહીં થાય અને આપને કોઈ નુકસાન પણ નહીં થાય, તેથી RBIના આ નિર્ણયથી તમારે ગભરાવાની જરૂર નથી.

આ નોટબંધી નથી, 2000ની નોટો હજુ પણ માર્કેટમાં ચાલી રહી છે

બીજી સૌથી મોટી વાત એ છે કે, RBIએ સ્પષ્ટ કહ્યું છે કે, આપે 2000 રૂપિયાના નોટ અંગે નોટબંધી સમજવાની જરૂર નથી. તમે સ્પષ્ટ શબ્દોમાં એવું સમજો કે, તમે હજુ પણ માર્કેટમાં 2000 રૂપિયાની નોટો ચલાવી શકો છો. આ નોટથી તમે સામાન ખરીદી સકો છો. અન્ય કોઈ વ્યક્તિ સાથે 2000 રૂપિયાની લેવડ-દેવડ કરી શકો છો. આ નોટ સંપૂર્ણ રીતે વેલીડ છે અને કોઈપણ વ્યક્તિ 30 સપ્ટેમ્બર સુધી રૂ.2000ની કરન્સી લેવાનો ઈન્કાર ન કરી શકે. એટલે કે આ તારીખ પહેલા તમે નોટોને પોતાની બેંકમાં (જેમાં તમારું એકાઉન્ટ હોય, ત્યાં પરત આપી શકો છો) અથવા અન્ય બેંકમાં જમા કરાવી શકો છો.

અફવાઓથી બચો, 30 સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવો

સૌથી મહત્વની વાત એ છે કે, તમે અત્યારથી જ બેંકમાં ન જશો... ત્યાં લાઈનમાં ન ઉભા રહો... કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો... અફરા-તરફરી જેવી કોઈપણ સ્થિતિનો પ્રોત્સાહન ન આપો... RBIએ સ્પષ્ટ કહ્યું છે કે, 2000 રૂપિયાની વેલ્યુ સમાપ્ત થઈ નથી. તમારા ખિસ્સામાં રાખેલી 2000ની નોટ હજુ પણ 2000ની કિંમતની જ નોટ છે. આ નોટ હજુ પણ માન્ય છે.

એક વારમાં જમા કરાવી શકશો 20 હજાર રૂપિયા

જો તમારે 2000 રૂપિયાની નોટો જમા કરાવવી છે, તો RBIએ તેનો પણ પ્લાન બનાવ્યો છે. તમે એક વખતમાં 2000ની 20 હજાર રૂપિયા સુધીની નોટો બેંકમાં જમા અથવા બદલાવી શકો છો.

23 મે-2023થી જમા કરાવી શકાશે નોટ

RBIના જણાવ્યા અનુસાર કોઈપણ બેંકમાં 23 મે-2023થી એક સમયે 2000 રૂપિયાની નોટોને જમા કરાવી શકાશે અથવા અન્ય નોટો સાથે બદલાવી શકાશે. નોટ બદલવાની મર્યાદા 20 હજાર રૂપિયા છે. વર્ષ 2016માં રિઝર્વ બેંકના નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. છેલ્લા ઘણાં મહિનાઓથી બજારમાં 2 હજાર રૂપિયાની નોટોની અછત જોવા મળતી હતી. તો બીજી તરફ ATMમાંથી પણ 2000ની નોટો બહાર આવતી ન હતી, જે અંગે સરકારે સંસદમાં પણ માહિતી આપી હતી.

છેલ્લા 2 વર્ષથી રૂ.2000ની એક પણ નોટ છપાઈ નથી

વર્ષ 2017-18 દરમિયાન દેશમાં 2000ની નોટ સૌથી વધુ પ્રચલિત હતી. આ દરમિયાન બજારમાં 2000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત 6.72 લાખ કરોડ રૂપિયા હતી. 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી.  મહત્વનું છે કે 2019 બાદ રૂ.2000ની એક પણ નોટ છપાઈ નથી.

Tags :