Get The App

સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી એક વર્ષમાં 30 વખત દુબઈ ગઇ હતી, જાણો કેટલી કમાણી કરી

Updated: Mar 6th, 2025

GS TEAM


Google News
Google News
સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી એક વર્ષમાં 30 વખત દુબઈ ગઇ હતી, જાણો કેટલી કમાણી કરી 1 - image


Kannada Actress Ranya Rao Gold Smuggling: કન્નડ અભિનેત્રી રાન્યા રાવ સોનાની દાણચોરી કરતાં ઝડપાઈ છે. બેંગલુરુ પોલીસે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 12 કરોડ રૂપિયાના સોનાની દાણચોરી કરતી રંગેહાથ ઝડપી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરતાં તેના ઘરમાંથી પણ મોટા પ્રમાણમાં સોનું અને રોકડ મળી આવી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તે 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી. સોનાની દાણચોરી મારફત તે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

મીડિયા રિપોર્ટમાં ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)ને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, 33 વર્ષીય રાન્યા લાંબા સમયથી એજન્સીના રડાર પર હતી. બાતમીના આધારે તેની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. ડીઆરઆઈ અધિકારીઓનું કહેવું છે કે તે 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી, જેના કારણે તેમને શંકા થઈ હતી.

ગત વર્ષે 30 વખત દુબઈ ગઈ

રાન્યા રાવ જ્યારે બેંગલુરૂ એરપોર્ટ પર ઉતરી ત્યારે તે માથાથી પગ સુધી સોનાથી લાદેલી હતી. પુષ્કળ પ્રમાણમાં સોનું પહેર્યું હતું. ગત વર્ષે તે 30 વખત દુબઈ ગઈ હતી. અને પ્રત્યેક ટ્રીપમાં કિલોથી વધુ સોનું લાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, તે કથિત રીતે દરેક ટ્રિપ મારફત 12થી 13 લાખ રૂપિયાની કમાણી કરી રહી હતી. તેને સોનાની દાણચોરીના કિલોદીઠ રૂ. 1 લાખ મળતા હોવાની બાતમી છે.

આ પણ વાંચોઃ સોનાની તસ્કરી કરતાં પકડાઇ અભિનેત્રી, જપ્ત કર્યું 14.80 KG સોનું, પિતા છે IPS ઓફિસર

આ રીતે કરતી હતી દાણચોરી

અધિકારીઓને તેની પાસેથી 14.2 કિલો સોનું મળી આવ્યું છે, જેની કિંમત 12.56 કરોડ રૂપિયા છે. અધિકારીઓને તેના કપડામાં સંતાડેલું સોનું મળી આવ્યુ હતું. તેના પતિ જતીન હુક્કેરી સાથે અવારનવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસો કરવાને લીધે તે  એજન્સીના રડારમાં આવી હતી. તે કથિત રીતે જાંઘ અને કમર સહિત શરીરના વિવિધ ભાગો પર સોનું ચોંટાડીને લાવતી હતી.

આ સિવાય બેગમાં પોતાના કપડામાં સોનું છુપાવતી હતી. પોલીસ એસ્કોર્ટ્સની મદદથી તે ઘણી વખત એરપોર્ટ પર સુરક્ષા તપાસમાંથી છટકી હતી. સોમવારે પણ તેણે પોલીસ કોન્સ્ટેબલ સાથે આવો જ પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યારબાદ DRIએ તેને સોના સાથે રંગે હાથે પકડી હતી. ધરપકડ બાદ તેને નાગાવાડા સ્થિત ડીઆરઆઈ ઓફિસમાં લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી.

ઘરેથી પણ સોનું મળ્યું

ધરપકડ બાદ અધિકારીઓએ બેંગલુરુમાં તેના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, જ્યાંથી રૂ. 2.06 કરોડના દાગીના અને રૂ. 2.67 કરોડની રોકડ મળી આવી હતી. જપ્ત કરાયેલી રકમ અને દાગીના સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આ હતી. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી છે. પૂછપરછ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે તેને દાણચોરી માટે બ્લેકમેઈલ કરવામાં આવતી હતી. તે ધાકધમકીના કારણે દાણચોરી કરી છે. પોલીસે રાન્યા સાથે બસવરાજ નામના કોન્સ્ટેબલની પણ અટકાયત કરી છે. 


સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી એક વર્ષમાં 30 વખત દુબઈ ગઇ હતી, જાણો કેટલી કમાણી કરી 2 - image

Tags :