આધુનિક ટેક્નોલોજીના કારણે વધી રહી છે બેરોજગારી: રામદાસ અઠાવલે
નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર 2019, રવિવાર
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે રવિવારે બેરોજગારી પર નિવેદન આપતા કહ્યું કે, દેશમાં ટેક્નોલોજીના વિકાસના કારણે બેરોજગારી વધી રહી છે. આ દિવસોમાં લોકોને નોકરીઓ નથી મળી રહી કારણ કે, ટેક્નોલોજીનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. પહેલા જે ફેક્ટરી ચલાવવા માટે 1000 લોકોની જરૂર હતી હવે તેને 200 લોકોની મદદથી ચલાવી શકાય છે.
તેમણે કહ્યું કે, એક શખ્સ બે મશીનો ચલાવે છે અને આ મશીનો ચલાવવા માટે પહેલા 10 લોકોની જરૂર પડતી હતી. સાથે જ તેમણે તે પણ કહ્યું કે, લોકોને નોકરી આપવાનો બોજ સરકાર પર આવી ગયો છે. સરકાર તેની માટે કામ કરી રહી છે અને વિભિન્ન યોજનાઓની મદદથી સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે.
મંદી અને અર્થતંત્રની ચિંતા વ્યક્ત કરતા આઠવલેએ કહ્યું કે, નાણાં મંત્રાલય અને નીતી આયોગ GDPને વધારવાનો પ્રયાસ કરી રહી છે, જે પાંચ ટકા સુધી નીચે છે. તેમજ નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ GDP ઘટી તેવા દાવાઓનું ખંડન કર્યું છે.