Rajyasabha MP Election: રાજ્યસભાની 56 બેઠકો પર દેશના 15 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેમાં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે રાજસ્થાનથી સોનિયા ગાંધી અને હિમાચલથી અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપી છે. જયારે ભાજપે ઉત્તર પ્રદેશમાંથી આરપીએન સિંહ, ડૉ.સુધાંશુ ત્રિવેદી, ચૌધરી તેજવીર સિંહ વગેરેને મેદાનમાં ઉતાર્યા છે. તેમજ ભાજપે ઉત્તરાખંડથી મહેન્દ્ર ભટ્ટ અને ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ઉમેદવાર બનાવ્યા છે. એવામાં રાજ્યસભાના સાંસદોના કામ, તેમના કાર્યક્ષેત્ર અને તેમના મળતા ફંડના ઉપયોગ વિષે પ્રશ્ન થાય. તો જાણીએ તેમની સાથે જોડાયેલી દરેક બાબત.
રાજ્યસભાના સાંસદો કોણ છે?
રાજ્યસભાના સાંસદો સંસદના ઉપલા ગૃહના સભ્યો હોય છે. તેમજ તેઓ રાજ્યની વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાય છે. રાજ્યસભાના સાંસદોનું કામ સંસદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનું છે. તેમજ તેઓ જનતા દ્વારા સીધા ચૂંટાતા નથી. લોકસભા કરતા તેમની કામ કરવાની રીત અને પસંદગીની પ્રક્રિયા બિલકુલ અલગ હોય છે.
શું રાજ્યસભા સાંસદનું કોઈ કાર્યક્ષેત્ર કે મતવિસ્તાર હોય છે?
રાજ્યસભાના સાંસદ રાજ્યના પ્રતિનિધિઓ હોય છે. આથી તેમની પાસે કોઈ મતવિસ્તાર હોતો નથી. જેમ વિકાસના કામો કરવા માટે લોકસભાના સાંસદ પાસે કોઈ મતવિસ્તાર કે કાર્યક્ષેત્ર હોય છે તેવો કોઈ વિસ્તાર રાજ્યસભાના સાંસદ પાસે નથી. રાજ્યસભાના સાંસદ જે રાજ્યમાં ચૂંટાઈ છે ત્યાં તેઓ ગમે તે વિસ્તારમાં કામ કરાવી શકે છે.
ફંડ અંગે શું છે નિયમો?
લોકસભાના સાંસદોની જેટલા જ રાજ્યસભાના સાંસદોને ભથ્થા અને અન્ય સુવિધાઓ મળે છે. રાજ્યસભા અને લોકસભાના ફંડ પણ સમાન જ હોય છે. પરંતુ રાજ્યસભાના સાંસદો તેનો ઉપયોગ સમગ્ર રાજ્યમાં કરી શકે છે. રાજ્યસભાના સાંસદોની માત્ર ફાઈનાન્સ બિલમાં કોઈ ભૂમિકા હોતી નથી અને રાજ્યસભા આ બિલોમાંથી કોઈ પર ચર્ચા કરતી નથી.


