(પીટીઆઇ) નવી
દિલ્હી, તા. ૧૮
૨ અને ૯ એપ્રિલે રાજ્યસભાની ૩૭ બેઠકો ખાલી પડી રહી છે. આ ૩૭
બેઠકો માટે ૧૬ માર્ચે ચૂંટણી યોજાશે. આ માટે ૨૬ ફેબુ્રઆરીએ નોટિફિકેશન જારી
કરવામાં આવશે અને તે દિવસથી જ ચૂંટણીની પ્રક્રિયા શરૃ થઇ જશે.
દસ રાજ્યોમાં કુલ ૩૭ બેઠકો માટે મતદાન થશે. આ દસ રાજ્યોમાં
મહારાષ્ટ્ર(૭ બેઠકો), ઓડિશા (૪
બેઠકો), તેલંગણા
(૨ બેઠકો), તમિલનાડુ
(૬ બેઠકો), છત્તીસગઢ
(૨ બેઠકો), પશ્ચિમ
બંગાળ (૫ બેઠકો), આસામ (૩
બેઠકો), હરિયાણા
(૨ બેઠકો), હિમાચલ
પ્રદેશ (૧ બેઠક) અને બિહાર (૫ બેઠકો)નો સમાવેશ થાય છે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૫ માર્ચ છે. ૬ માર્ચે ફોર્મની
સમીક્ષા કરવામાં આવશે. ઉમેદવારો ૯ માર્ચ સુધી પોતાનું ફોર્મ પરત લઇ શકે છે. મતદાન
૧૬ માર્ચે થશે અને તે જ દિવસે સાંજે પાંચ વાગ્યાથી મત ગણતરી શરૃ થઇ જશે.
ચૂંટણી પંચનાં જણાવ્યા મુજબ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ૨૦
માર્ચ સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. ચૂંટણી પંચે આ ચૂંટણી માટે કેટલાક ખાસ નિર્દેશ
જારી કર્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે બેલેટ પેપર પર પોતાની પસંદ બતાવવા
માટે ફક્ત ઇન્ટીગ્રેટેડ વોયલેટ કલરની સ્કેચ પેનનો જ ઉપયોગ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં રાજ્યસભા સભ્યોની કુલ સંખ્યા ૨૪૫
છે. તેમાં ૨૩૩ સાંસદોની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. જ્યારે ૧૨ સભ્યોની
પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
રાજ્યસભાની ચૂંટણી અન્ય ચૂંટણીથી અલગ હોય છે. તેમાં પ્રજા
ડાયરેક્ટ મતદાન કરી શકતી નથી. પ્રજા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ રાજ્યસભા
સભ્યોની પસંદગી કરે છે.
આ ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાજ્યસભા
ચૂંટણીમાં જીત માટે જરૃરી મતોની સંખ્યા અગાઉથી નક્કી કરવામાં આવે છે. આ સંખ્યા કુલ
ધારાસભ્યોની સંખ્યા અને ઉપલબ્ધ રાજ્યસભા બેઠકોને આધારે નક્કી કરવામાં આવે છે.
તેમાં ધારાસભ્યના વોટનું મૂલ્ય ૧૦૦ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, ઓડિશા,
બિહાર, છત્તીસગઢ, હરિયાણા અને
આસામમાં ભાજપની કે તેના ગઠબંધનની સરકાર છે. જેના કારણે રાજ્યસભામાં ભાજપની બેઠકો
વધવાની શક્યતા છે.
રાજ્યસભાનાં જે અગ્રણી સાંસદોની ટર્મ પૂર્ણ થઇ રહી છે તેમાં
શરદ પવાર (એનસીપી-એસપી), અભિષેક
સિંઘવી (કોંગ્રેસ), સાકેત
ગોખલે (તૃણમુલ), રામદાસ
અથવાલે (આરપીઆઇ-એ), એમ
થંબિદુરાઇ (એઆઇએડીએમકે), તિરુચિ
સિવા (ડીએમકે)નો સમાવેશ થાય છે.


