રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ
Russias Victory Day parade: રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયા દ્વારા 9 મે 2025ના રોજ મૉસ્કોમાં આયોજિત વિક્ટરી ડે પરેડમાં સામેલ થવા નહીં જાય અને તેમની જગ્યાએ રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠ ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી. મૉસ્કોમાં 9 મેના રોજ આયોજિત સમારોહમાં રક્ષા રાજ્ય મંત્રી સેઠને મોકલવાનો નિર્ણય પહલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાને રાખીને લેવાયો છે.
જર્મની પર સોવિયત વિજયની યાદમાં કાર્યક્રમ
રશિયાએ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જર્મની પર સોવિયત વિજયની 80મી વર્ષગાંઠના અવસરે થનારી વિક્ટરી-ડે પરેડ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા હતા, પરંતુ આ નિર્ણય લેવાયો હતો કે તેમની જગ્યાએ રક્ષા મંત્રી રાજનાથ તેમાં ઉપસ્થિત રહેશે. પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે, રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રશિયાએ આ વર્ષે વિક્ટરી ડે પરેડમાં ભાગ લેવા માટે કેટલાક મિત્ર દેશોના નેતાઓને આમંત્રિત કર્યા છે.
વડાપ્રધાન મોદી ગત વર્ષે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે વાર્ષિક શિખર સંમેલન અને કઝાનમાં આયોજિત બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બે વખત રશિયા ગયા હતા. આ વર્ષે રશિયન રાષ્ટ્રપતિ વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવે તેવી શક્યતાઓ છે.