India

દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલ, NCCનું પણ થશે વિસ્તરણ; રક્ષા મંત્રીની જાહેરાત

By GS TEAM
21 Mar 20262 mins read
TukuTouch Logo
રાજનાથ સિંહે નેશનલ કેડેટ કોરના (NCC) વિસ્તાર અંગે માહિતી આપતા કહ્યું કે, "અમે NCC માં ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કર્યો છે. પહેલા ભરતીનો લક્ષ્યાંક 17 લાખ હતો, જેને હવે વધારીને 20 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલ, NCCનું પણ થશે વિસ્તરણ; રક્ષા મંત્રીની જાહેરાત

Sainik School : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને દેશભક્તિના મૂલ્યોને વધુ મજબૂત કરવા માટે મોટી જાહેરાતો કરી છે. સૈનિક સ્કૂલ ઘોડાખાલના હીરક મહોત્સવને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, સરકાર દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવા જઈ રહી છે અને NCC ના વ્યાપમાં પણ મોટો વિસ્તાર કરવામાં આવશે.

NCC કેડેટ્સની સંખ્યા હવે 20 લાખ થશે

રાજનાથ સિંહે નેશનલ કેડેટ કોરના (NCC) વિસ્તાર અંગે માહિતી આપતા કહ્યું કે, "અમે NCC માં ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કર્યો છે. પહેલા ભરતીનો લક્ષ્યાંક 17 લાખ હતો, જેને હવે વધારીને 20 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે." આ પગલાથી વધુમાં વધુ બાળકોને રાષ્ટ્ર નિર્માણ માટેના સંસ્કારો શીખવાની તક મળશે.

PPP મોડલ પર 100 નવી સૈનિક શાળાઓ

સૈન્યલક્ષી શિક્ષણના વ્યાપને વધારવા માટે સરકારે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ દેશમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ સંસ્થાઓ માત્ર રક્ષા સેવાઓ માટે જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ પૂરૂ પાડવા માટે પણ યુવાનોને સક્ષમ બનાવશે.

આ પણ વાંચો : બીજા દિવસે ધુરંધર 2ની કમાણી 330 કરોડને પાર! રણવીર સિંહની ઉજવણી, દિપીકા કોન્સર્ટમાં પહોંચી

મહિલા સશક્તિકરણ

રાજનાથ સિંહે સૈનિક શાળાઓમાં છોકરીઓના પ્રવેશને મંજૂરી આપવાના સરકારના નિર્ણયને ઐતિહાસિક અને ક્રાંતિકારી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, "આ નિર્ણય મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું સીમાચિહ્ન છે. મહિલા કેડેટ્સના પ્રદર્શને સાબિત કરી દીધું છે કે આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં દીકરાઓની સમોવડી છે."

સૈનિક સ્કૂલ ઘોડાખાલનો ગૌરવશાળી ઈતિહાસ

આ પ્રસંગે તેમણે ઘોડાખાલ સૈનિક સ્કૂલની સિદ્ધિઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ શાળાએ અત્યાર સુધીમાં 800 થી વધુ વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ને આપ્યા છે. 2,000 થી વધુ કેડેટ્સ અહીંથી અભ્યાસ કરીને CDS અને AFCAT જેવા માધ્યમો દ્વારા દેશની સેવા કરી રહ્યા છે.

યુવાનોને સફળતાનો મંત્ર

કેડેટ્સમાં જોશ ભરતા રાજનાથ સિંહે શિસ્ત અને તત્પરતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને મંત્ર આપતા કહ્યું, "તૈયાર રહો, હંમેશા તૈયાર રહો." કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે માનસિક મજબૂતી અને શારીરિક ફિટનેસ અનિવાર્ય છે. તેમણે અંતમાં ઉમેર્યું કે, એક સશક્ત રાષ્ટ્ર ત્યારે જ બને છે જ્યારે તેના નાગરિકો કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે માનસિક અને શારીરિક રીતે સજ્જ હોય.