નવી દિલ્હી, તા.28 ઓગસ્ટ 2018, સોમવાર
ભાજપના નેતા તેજિંદરપાલ બગ્ગાએ એક બેનર વડે ભારે વિવાદ જગાવ્યો છે. બગ્ગાએ દિલ્હીમાં કેટલાક સ્થળોએ બેનર લગાવ્યા છે જેમાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને ફાધર ઓફ મોબ લિંચિંગ ગણાવ્યા છે.
જોકે બીજી તરફ કોંગ્રેસે અલગ જ અંદાજમાં આ બેનરોજો જવાબ આપ્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટરો લગાવ્યા છે. જે બેનરો બગ્ગાએ ફરતા કર્યા છે તેને લઇને એક વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો હતો. અને જણાવ્યું હતું કે હા રાજીવ ગાંધી ફાધર ઓફ મોબ લિંચિંગ હતા.
તો વળી કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટમાં જવાબ આપતા કહ્યું હતું કે કોંગ્રેસના સંસ્કાર તે દિવંગત પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપવાના છે કે જેઓ ૨૦૦૨ના રમખાણો સમયે કઇ જ ન કરી શક્યા. બીજી તરફ દેશ માટે જીવ આપનારા દિવંગત વડા પ્રધાન રાજીવ ગાંધી અંગે અતી શરજનક પોસ્ટર લગાવવામાં આવ્યા છે જે ભાજપની અતી નિમ્નકક્ષાની માનસીક્તાની નિશાની છે.
નોંધનીય છે કે રાજનાથસિંહે સંસદમાં કહ્યું હતું કે દેશમાં સૌથી મોટી મોબ લિંચિંગની ઘટના ૧૯૮૪માં થઇ હતી. રાજનાથે શીખ વિરોધી રમખાણોને ટાંકીને આ નિવેદન કર્યું હતું જ્યારે હાલ કોંગ્રેસે દેશમાં વધી રહેલી મોબ લિંચિંગની ઘટનાને લઇને સંસદમાં હોબાળો મચાવ્યો હતો.


