India

રાજસ્થાન જિલ્લા પરિષદની ચૂંટણી: 24 બેઠકો પર કોંગ્રેસની ધમાકેદાર જીત, ભાજપને મોટો ઝટકો, CMના વતનમાં પણ ગાબડું

By GS Team
25 Nov 20262 mins read
TukuTouch Logo
રાજસ્થાનમાં 25 નવેમ્બરે જિલ્લા પરિષદ ચેરમેન ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી ભાજપને મોટો ઝટકો લાગ્યો. 37 બેઠકોમાંથી કોંગ્રેસે 24 જિલ્લામાં ચેરમેન બનાવ્યા, જ્યારે ભાજપ 10 પર સમેટાઈ. મુખ્યમંત્રીના ગૃહનગર ભરતપુરમાં પણ ભાજપ હાર્યું. કોંગ્રેસના રેણુ બાલા ચેરમેન બન્યા. પ્રાદેશિક પક્ષોએ પણ જીત મેળવી. આવતીકાલે 26 નવેમ્બરે ઉપ-જિલ્લા પ્રમુખની ચૂંટણી યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાન જિલ્લા પરિષદની ચૂંટણી: 24 બેઠકો પર કોંગ્રેસની ધમાકેદાર જીત, ભાજપને મોટો ઝટકો, CMના વતનમાં પણ ગાબડું

Rajasthan Zila Parishad Election Result : રાજસ્થાનમાં આજે 25 નવેમ્બરના રોજ યોજાયેલી જિલ્લા પરિષદ ચેરમેન(જિલ્લા પ્રમુખ)ની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની કુલ 37 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને 24 જિલ્લાઓમાં પોતાના ચેરમેન બનાવવામાં સફળતા મેળવી છે, જ્યારે ભાજપ માત્ર 10 જિલ્લાઓમાં જ સમેટાઈ ગઈ છે.

પ્રાદેશિક પક્ષોનો દેખાવ અને લોટરીથી થયેલો નિર્ણય

આ ચૂંટણી જંગમાં મુખ્ય બે પક્ષો ઉપરાંત પ્રાદેશિક પક્ષોએ પણ પોતાની હાજરી નોંધાવી છે. ભારત આદિવાસી પાર્ટીએ 2 જિલ્લાઓમાં જીત હાંસલ કરી છે, જ્યારે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી 1 જિલ્લામાં વિજયી બની છે. આ ઉપરાંત, એક બેઠક પર બંને પક્ષો વચ્ચે ટાઇ થતાં પરિણામ અટવાયું હતું, જેનો આખરે લોટરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા.

મુખ્યમંત્રીના ગૃહનગર ભરતપુરમાં ભાજપને મોટો ઝટકો

આ ચૂંટણીનું સૌથી ચોંકાવનારું પરિણામ મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ગૃહનગર ભરતપુરમાં જોવા મળ્યું છે, જ્યાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. ભરતપુર જિલ્લા પરિષદમાં કોંગ્રેસના ઉમેદવાર રેણુ બાલા ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ રોમાંચક મુકાબલામાં કોંગ્રેસને 17 મત મળ્યા હતા, જ્યારે ભાજપ માત્ર 14 મત જ મેળવી શક્યું હતું.

ભાજપે કયા મુખ્ય જિલ્લાઓમાં જીત મેળવી?

રાજ્યભરમાં નબળા પ્રદર્શન વચ્ચે પણ ભાજપ કેટલાક મહત્ત્વપૂર્ણ જિલ્લાઓમાં પોતાનો કિલ્લો બચાવવામાં સફળ રહ્યું છે. ઝાલાવાડમાં ભાજપના વર્ષા ઝાલા જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેવી જ રીતે બાલોતરામાં સુશીલા ભીલ, ચુરુમાં કનિકા સિંહ રાઠોડ, પ્રતાપગઢમાં હકરી મીણા અને અજમેરમાં પૂજા ભણસાલીએ ભાજપ તરફથી જિલ્લા પ્રમુખ પદ પર કબજો જમાવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાજપ પર આકરા પ્રહાર

જિલ્લા પ્રમુખની ચૂંટણીના પરિણામો બાદ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે ભાજપ નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પંચાયત સમિતિઓમાં મળેલી હાર બાદ લોકોમાં ભારે આક્રોશ છે, કારણ કે મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે અન્ય કોઈ નેતાએ સત્તાવાર નિવેદન આપીને પોતાની હાર સ્વીકારી નથી. ગેહલોતે કટાક્ષ કરતાં કહ્યું કે, હાર બાદ નેતાઓએ જનતા સામે શીશ ઝુકાવીને પોતાની હાર સ્વીકારવી જોઈએ, પરંતુ ભાજપના નેતાઓનો અહંકાર હજુ સુધી ગયો નથી.

26 નવેમ્બરે ઉપ-જિલ્લા પ્રમુખની ચૂંટણી યોજાશે

જિલ્લા પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે 26 નવેમ્બરના રોજ ઉપ-જિલ્લા પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. નિયમ અનુસાર, જિલ્લા પ્રમુખ અને ઉપ-જિલ્લા પ્રમુખની પસંદગી સંબંધિત જિલ્લા પરિષદના ચૂંટાયેલા સભ્યોમાંથી જ કરવામાં આવે છે. મતદાનમાં ભાગ લેનારા તમામ સભ્યોએ પોતાના ચૂંટણી પ્રમાણપત્ર અને માન્ય ફોટો ઓળખપત્ર સાથે રાખવા ફરજિયાત રહેશે. રાજસ્થાનના ગ્રામીણ પ્રશાસનમાં આગામી સમયનું રાજકીય સંતુલન નક્કી કરવામાં આ ચૂંટણીઓ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.