વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા
Uttarakhand News: ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટના બની હતી. હાઇવે કે ટ્રેનની સેવા પણ ઠપ હોવાથી આવી પરિસ્થિતિમાં રાજસ્થાનના ચાર વિદ્યાર્થીઓએ B.Edની પરીક્ષા આપવા હેલિકોપ્ટર ભાડે લઈ ઉત્તરાખંડના મનુસ્યારીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. વાત એવી છે કે રાજસ્થાનમાં બાલોતરા શહેરમાં રહેતા ઓમારામ જાટ, મંગારામ જાટ, પ્રકાશ ગોદારા અને નરપત કુમાર ઉત્તરાખંડની ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેમની ગવર્નમેન્ટ ડિગ્રી કોલેજમાં પરીક્ષા હતી. હલ્દ્વાની-પિથોરાગઢ અને ટનકપુર-પિથોરાગઢના રસ્તાઓ બંધ હોવાને કારણે કોઈ ટેક્સી ડ્રાઈવર તેમને ત્યાં લઈ જવા માટે તૈયાર નહોતા, જેથી આ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા એક ખાનગી કંપનીના હેલિકપ્ટરનો સહારો લેવો પડ્યો.
કેવી રીતે મળી હેલિકપ્ટરની સવારી?
ઓમારામ જાટે જણાવ્યું કે, '31 ઓગસ્ટે જ્યારે અમે ઉત્તરાખંડ પહોંચ્યા, ત્યારે જાણવા મળ્યું કે મનસ્યારી જનાર બધા જ રસ્તા ભુસ્ખલનના કારણે બંધ છે. અમને તો લાગ્યું કે હવે અમે પરીક્ષા નહીં આપી શકીએ. પણ અમને અહીં હલ્દ્વાનીથી મનુસ્યારી વચ્ચે હેલિકોપ્ટરની સેવા આપતી કંપની વિશે જાણવા મળ્યું. જોકે તે પણ ખરાબ હવામાનને કારણે આ સેવા પણ અસ્થાઈ રૂપે બંધ કરવામાં આવી હતી. પણ અમે હેરિટેજ અવિએશનના CEOને વિનંતી કરી કે, અમે પરીક્ષા કેન્દ્ર સુધી નહીં પહોંચી શક્યા તો અમારું વર્ષ બરબાદ થઈ જશે.'
CEOએ 2 પાઇલટ્સ સાથે એક હેલિકોપ્ટર મોકલ્યું
ઓમારામ જાટે વધુમાં જણાવ્યું કે, 'અમારી વિનંતી સ્વીકારીને કંપનીના CEOએ 2 પાઇલટ્સ સાથે એક હેલિકોપ્ટર મોકલ્યું, જે અમને સુરક્ષિત રીતે મનુસ્યારી લઈ જઇને હલ્દ્વાની પાછા પણ લઈ આવ્યા હતા.' જણાવી દઈએ કે, આ તમામે પરીક્ષા આપવા માટે હેલિકોપ્ટરનું ભાડું વ્યક્તિ દીઠ 5200 રૂપિયા ચૂકવ્યૂ હતું.