જયપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ, બે મુસાફરોના મોત, 10થી વધુ દાઝ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jaipur Bus Fire: રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં આગ લાગવાને કારણે અકસ્માત થયો છે. આ દુર્ઘટનાનું કારણ એ હતું કે ચાલતી બસ વીજળીના હાઈટેન્શન વાયરો સાથે ટકરાઈ અને વાયરો સાથેના ટકરાવ બાદ બસમાં ભીષણ આગ ફાટી નીકળી. આ ગંભીર અકસ્માતમાં 2 મુસાફરોનાં દર્દનાક મોત નીપજ્યાં છે, જ્યારે 10થી વધુ લોકો દાઝી ગયા હોવાની માહિતી મળી રહી છે. બસમાં સવાર તમામ લોકો ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા જઈ રહ્યા હતા. હાઈટેન્શન વાયરો સાથે ટકરાયા બાદ આગની લપેટોમાં દાઝી ગયેલા આ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કરંટ ફેલાતા બસમાં લાગી આગ
મળતી માહિતી મુજબ, મજૂરોથી ભરેલી આ બસ ઉત્તર પ્રદેશથી મનોહરપુરના ટોડી સ્થિત ઈંટના ભઠ્ઠા પર આવી રહી હતી. રસ્તામાં, બસ ઉપરથી પસાર થઈ રહેલી 11 હજાર વોલ્ટના વાયરના સંપર્કમાં આવી, જેના કારણે બસમાં કરંટ ફેલાયો અને સ્પાર્કિંગથી આગ લાગી. ઘટના બાદ સ્થળ પર ચીસાચીસ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
ઘટનાની જાણ થતાની સાથે જ, મનોહરપુર પોલીસ સ્ટેશનની ટીમ અને વહીવટી અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા. તેમણે ઘાયલોને શાહપુરા ઉપજિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યા. ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ, ગંભીર રીતે દાઝી ગયેલા 5 મજૂરોને જયપુર રેફર કરવામાં આવ્યા છે. દરમિયાન, માહિતી મળતાની સાથે જ પહોંચેલી ફાયર બ્રિગેડની સહાયતાથી આગ પર કાબૂ મેળવાયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મૂકાવીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
તમામ મજૂરો બરેલીના રહેવાસી હતા
મનોહરપુર દુર્ઘટના અંગે શાહપુરા પોલીસ સ્ટેશન અધિકારીના જણાવ્યા અનુસાર, 'આ મામલામાં હાલ 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગંભીર હાલતમાં બે લોકોને જયપુર SMS હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે. જ્યારે ચાર લોકોની શાહપુરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માત 11 હજાર KV કરંટનો તાર તૂટવાથી થયો છે. તમામ મજૂરો યુપીના બરેલીના રહેવાસી હતા અને મનોહરપુરમાં ભઠ્ઠીનું કામ કરતા હતા.'









