Gujarat-Rajasthan Traffic Violation : રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનનો એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, માત્ર 10 લોકોની ક્ષમતા ધરાવતી એક જીપમાં આશરે 90થી 100 જેટલા મુસાફરોને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવ્યા છે. આ જીપ રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહી હતી, ત્યારે કોઈએ તેનો વીડિયો ઉતારી લીધો હતો.
જીવના જોખમે મુસાફરી
વીડિયોમાં જીપની હાલત એવી છે કે, અંદર મુસાફરો એટલી હદે ખીચોખીચ ભરેલા છે કે ડ્રાઈવર પણ માંડ દેખાઈ રહ્યો છે. જીપની છત, બોનેટ અને પાછળના ભાગે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો જીવના જોખમે લટકી રહ્યા છે. મજબૂરી હોય કે બેદરકારી, પણ આ પ્રકારની મુસાફરી કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે.
તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે રાજસ્થાન અને ગુજરાત પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો ભરેલી ગાડી પર ચેકપોસ્ટ કે પોલીસની નજર કેમ ન પડી? માર્ગ સલામતીના કાયદાઓ માત્ર કાગળ પર જ હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે.
આ પણ વાંચો : VIDEO: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી
અધિકારીઓ એક્શન મોડમાં
ઘટનાની ગંભીરતાને જોતા DTO પંકજ શર્માએ તાત્કાલિક ફ્લાઈંગ ટીમ રવાના કરી છે અને તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આગામી સમયમાં ટ્રાફિક મોનિટરિંગ વધારી દેવામાં આવશે. આવી જોખમી મુસાફરી રોકવા માટે વહીવટીતંત્ર અને નાગરિકો બંનેએ જાગૃત થવાની જરૂર છે.
આ પણ વાંચો : તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ સાથે મુલાકાત કરી, ભાઈ સાથે કર્યું આવું વર્તન


