Get The App

VIDEO: માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ, ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓ પિકનિક માટે ઉમટ્યા

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ, ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓ પિકનિક માટે ઉમટ્યા 1 - image


Mount Abu Weather: રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો સતત ગગડતા સહેલાણીઓ કોહરા સાથે કડકડતી ઠંડીનો આનંદ લઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ સતત માઉન્ટ આબુમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે. લધુત્તમ તાપમાન શૂન્ય (0) ડિગ્રીથી નીચે પહોંચી જતાં સવારમાં મેદાન, વાહનો અને રસ્તા પર બરફની આછેરી ચાદર પથરાઈ ગઈ છે.

મેદાનો અને વાહનો પર બરફના થર

મહત્વનું છે કે ગુજરાતમાંથી મોટી સંખ્યા પર્યટકો માઉન્ટ આબુમાં હરવા-ફરવા જાય છે ત્યારે ખુશનુમા વાતાવરણ થતાં પ્રવાસની મજા બમણી થઈ ગઈ છે. માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રી જેટલું સવારનું તાપમાન નોંધાયું છે જેના કારણે મેદાનો અને વાહનો પર બરફના થર જામી ગયા છે. પક્ષીઓ માટે ઘરની બહાર રાખેલા પાણીના કુંડા પણ જામી ગયા છે.  સનસેટ પોઈન્ટ, હનીમૂન પોઈન્ટ, શૂટિંગ પોઈન્ટ પર પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. કુદરતી વાતાવરણ ખિલતા લોકો નક્કી લેકમાં બોટિંગનો આનંદ માણી રહ્યા છે. 

રાજસ્થાનનું 'શિમલા' બન્યું માઉન્ટ આબુ

બરફનો નજારો જોતાં જ લોકો શિમલા જેવા વાતાવરણનો અનુભવ રહ્યા છે. આ ઉપરાંત અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા ગુરુ શિખર, અચલગઢ, કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે વાહનોની અવર જવરમાં પરેશાની ઊભી થઈ છે. 


ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન?

ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વઘ્યું છે. ગત રાત્રિના 7 ડિગ્રી સાથે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું અને સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. ગત રાત્રિના રાજકોટમાં 9.4 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાન સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું નોંધાયું હતું. નલિયા, રાજકોટ ઉપરાંત અન્યત્ર જ્યાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ભુજ, પોરબંદર, ડીસા, ગાંધીનગર, કંડલા, દાહોદ અને ભાવનગરનો સમાવેશ થાય છે. 

અમદાવાદમાં ઠંડીની શું છે સ્થિતિ? 

અમદાવાદમાં 15 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે.