Get The App

જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ! 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હાઇકોર્ટનો ચુકાદો

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
SC-ST Act


(IMAGE - IANS)

SC-ST Act: રાજસ્થાન હાઇકોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ(અત્યાચાર નિવારણ) ઍક્ટ એટલે કે SC/ST ઍક્ટને લઈને એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હવે કોઈએ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કે ગાળો ખાનગીમાં આપી છે કે જાહેરમાં, તેના આધારે જ કેસ નક્કી થશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિને તેની જ્ઞાતિના નામે ખાનગીમાં અપશબ્દો બોલવામાં આવ્યા હોય, તો તેની સામે SC/ST ઍક્ટ હેઠળ કેસ ચલાવી શકાય નહીં. આ ટિપ્પણી સાથે હાઇકોર્ટે 31 વર્ષ જૂના એક કેસમાં આરોપીની સજા રદ કરીને તેને નિર્દોષ જાહેર કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

આ વિવાદ વર્ષ 1994નો છે. જોધપુરમાં એક વ્યક્તિએ શોરૂમમાંથી લોન પર વાહન ખરીદ્યું હતું. પેમેન્ટમાં વિલંબ થતાં શોરૂમ માલિકે વાહન જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શોરૂમની અંદર બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરિયાદીનો આરોપ હતો કે શોરૂમ માલિકે તેને જ્ઞાતિસૂચક શબ્દો કહીને અપમાનિત કર્યો હતો.

વર્ષ 1994માં નીચલી અદાલતે શોરૂમ માલિકને આ કેસમાં દોષિત ગણી સજા ફટકારી હતી. અદાલતનું એવું તારણ હતું કે શોરૂમ એક વ્યાપારિક સ્થળ હોવાથી ત્યાં થયેલી ઘટના 'પબ્લિક વ્યૂ' એટલે કે જાહેર દૃષ્ટિ હેઠળ આવે છે. જોકે, આ ચુકાદાને પડકારતાં આરોપીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

હાઇકોર્ટે શું કહ્યું?

જસ્ટિસ ફરજંદ અલીની પીઠે આ મામલે સુનાવણી કરતાં ટ્રાયલ કોર્ટનો નિર્ણય પલટી નાખ્યો હતો. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં મુખ્યત્વે બે વાતો પર ભાર મૂકતાં કહ્યું કે SC/ST ઍક્ટની કલમ 3(1)(x) ત્યારે જ લાગુ થાય છે જ્યારે અપમાનજનક શબ્દો જાહેર જનતાની હાજરીમાં અથવા એવી જગ્યાએ બોલવામાં આવ્યા હોય જ્યાં સામાન્ય લોકો જોઈ કે સાંભળી શકે.

આ પણ વાંચો: ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો, બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી અરજી ફગાવી

આ કિસ્સામાં ઘટના બંધ શોરૂમની અંદર બની હતી અને ત્યાં કોઈ સ્વતંત્ર સાક્ષી હાજર નહોતો. જે કંઈ પણ બન્યું તે બે વ્યક્તિઓ વચ્ચેનો વ્યાપારી વિવાદ હતો. તેથી તેને 'જાહેર અપમાન' માની શકાય નહીં.

SC/ST ઍક્ટ અને કાયદાની સ્થિતિ

SC/ST ઍક્ટ(1989) મુજબ, જો કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થળે અનુસૂચિત જાતિ કે જનજાતિના વ્યક્તિનું જ્ઞાતિના આધારે અપમાન કરે છે, તો તે સજાપાત્ર ગુનો છે. પરંતુ રાજસ્થાન હાઇકોર્ટના આ તાજેતરના ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે અંગત વિવાદ કે ચાર દીવાલની વચ્ચે થયેલી બોલાચાલીમાં આ કાયદાનો દુરુપયોગ કરી શકાશે નહીં.

જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ! 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હાઇકોર્ટનો ચુકાદો 2 - image