Rajasthan Mid-Day Meal Fraud : આખો દેશ કોરોના જેવી ભયાનક મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો અને ગરીબ બાળકો માટે સરકારી ભોજન યોજના આશીર્વાદ સમાન હતી, ત્યારે રાજસ્થાનમાં ભ્રષ્ટાચારીઓએ આ તકનો લાભ ઉઠાવીને 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. રાજસ્થાન એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ આ મામલે 21 વગદાર અધિકારી અને ખાનગી કંપનીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કઈ રીતે ખેલાયો ભ્રષ્ટાચારનો ખેલ?
આ તપાસમાં બહાર આવ્યું છે કે કોરોના કાળ દરમિયાન સ્કૂલો બંધ હોવાથી બાળકોને ઘરે કરિયાણું પહોંચાડવાની જવાબદારી 'કોન્ફેડ' (CONFED) અને સિવિલ સપ્લાય વિભાગને સોંપાઈ હતી. આરોપ છે કે અધિકારીઓએ માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે ટેન્ડર પ્રક્રિયામાં મોટા પાયે ચેડાં કર્યા હતા. આ પ્રક્રિયામાં લાયક કંપનીઓને બાકાત રાખીને મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ પધરાવી દેવાયા હતા.
ખોટા બિલો અને બોગસ કંપનીઓના કાવાદાવા
ચોંકાવનારી વિગત એ છે કે અનેક જગ્યાએ સામાનની કોઈ ડિલિવરી જ થઈ નહોતી. આમ છતાં ઊંચા ભાવના બોગસ બિલો રજૂ કરીને સરકારી તિજોરીમાંથી નાણાં સેરવી લેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ફૂડ ગ્રેઈન, દાળ, તેલ અને મસાલાના નામે કાગળ પર મોટી લેતી-દેતી બતાવીને ભ્રષ્ટાચારનો આંકડો રૂ. 2000 કરોડ સુધી પહોંચ્યો હોવાનું મનાય છે.
આ પણ વાંચો : VIDEO: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી
ઉચ્ચ અધિકારીઓ સહિત 21 સામે ગાળિયો કસાયો
એન્ટિ કરપ્શન બ્યુરોએ જે 21 લોકો સામે ગુનો નોંધ્યો છે, તેમાં આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, મેનેજરો, વેરહાઉસ કીપર અને તિરુપતિ સપ્લાયર્સ તથા જાગૃત એન્ટરપ્રાઇઝ જેવી ખાનગી પેઢીઓના માલિકોનો સમાવેશ થાય છે. આ ટોળકીએ ભેગા મળીને ગુનાઇત કાવતરું રચીને કોરોના સમયે જ ગરીબ બાળકોનો કોળિયો છીનવી લીધો હતો.
નોંધનીય છે કે, આ કૌભાંડના પર્દાફાશ પછી રાજસ્થાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉની સરકારના સમયમાં થયેલા આ કૌભાંડમાં હજુ અનેક મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતા છે. હાલ નાણાકીય લેવડદેવડ અને નકલી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ સાથે મુલાકાત કરી, ભાઈ સાથે કર્યું આવું વર્તન


