સિરપથી મોત મામલે રાજસ્થાન સરકારે હાથ ઊંચા કર્યા, કહ્યું- બાળકો પહેલેથી જ બીમાર હતા
Rajasthan Syrup Deaths Case : રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોના મોત મામલે ઉઠેલા સવાલો પછી આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસારે શનિવારે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કોઈ પણ બાળકનું મૃત્યુ કફ સિરપથી થયું નથી. જે બાળકોના મોત થયા છે, તે પહેલેથી જ ગંભીર બીમારીઓથી પીડાતા હતા.
મંત્રી ખિંવસારે જોધપુર સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ' જે બાળકોના મોત થયા છે, તેમાથી એક બાળકને એન્સેફાલીટીસ હતો, જ્યારે બીજાને શ્વસન ચેપ હતો. સરકારે આ સમગ્ર મામલે ગંભીરતાથી લીધી છે, અને દવાનું લેબ-પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને રિપોર્ટમાં આ દવા સુરક્ષિત અને પ્રમાણભૂત હોવાનું જાણવા મળ્યું છે.'
આ પણ વાંચો: કેશ ઑન ડિલિવરી પર લેવાઈ રહ્યો છે વધારાનો ચાર્જ? ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ સરકારની તપાસ શરૂ
મંત્રી પ્રેસ કોન્ફરન્સમાં બેચેન જોવા મળ્યા
જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે, 'હાલમાં બજારમાં વેચાતી અન્ય કફ સિરપ સામે કોઈ તપાસ કરાવવામાં આવી છે કે અન્ય પગલાં લેવામાં આવશે.' ત્યારે મંત્રી ખિંવસાર બેચેન દેખાયા. તેમણે વારંવાર તેમની બાજુમાં બેઠેલા અધિકારીઓને માહિતી માટે પૂછ્યું. આખરે તેમણે કહ્યું કે, વિભાગ સેમ્પલ લઈ રહ્યું છે, અને જો કોઈ ગેરરીતિ જોવા મળશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લગભગ 11 મિનિટ ચાલેલી પ્રેસ કોન્ફરન્સ ઝડપથી પૂરી કરીને ચાલતી પકડી હતી.
હકીકતમાં રાજસ્થાનમાં કફ સિરપથી ત્રણ બાળકોના કથિત મૃત્યુ બાદ, સરકારે 28 સપ્ટેમ્બરના રોજ આ સિરપના સપ્લાય પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તપાસમાં દવામાં કોઈ ભેળસેળ કે ટેકનિકલ ખામી ન મળ્યા બાદ મંત્રી પહેલીવાર મીડિયા સમક્ષ હાજર થયા.
આ પણ વાંચો: સંભલમાં મસ્જિદ તોડી પાડવા અંગે મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી
'મોટી વયના લોકોની દવા બાળકો માટે હાનિકારક છે'
મંત્રી ખિંવસારે જણાવ્યું હતું કે, કેટલીકવાર મોટી ઉંમરના લોકોની દવાઓ બાળકોને આપવામાં આવે છે, જેનાથી નુકસાન થાય છે. આ મામલે પણ આવું જ લાગે છે. હવે અમે એક નવી સિસ્ટમ લાગુ કરી રહ્યા છીએ, જેમાં દરેક દવા સ્પષ્ટપણે જણાવશે કે, તે ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે યોગ્ય છે કે નહીં.'