'મંત્રીને રસ્તાની ફરિયાદ કરી તો ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા', રાજસ્થાનના નેતા પર ગંભીર આક્ષેપ
Rajasthan News: રાજસ્થાનના કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત હાલ ખૂબ ચર્ચામાં છે. તેમને એક કાયક્રમમાં સ્થાનિક લોકોએ રોડ રસ્તા, વીજળી, પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્યને લગતા સવાલો પૂછ્યા હતા. હવે લોકોએ આરોપ લગાવ્યો છે કે, 'તેમણે (કેબિનેટ મંત્રી જોરરામ કુમાવત) અધિકારીઓને અમારા ગામમાં પાણી અને વીજળીના કનેકશન કાપી નાખવા માટે મોકલ્યા હતા.'
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત 12મી જુલાઈના રોજ પોતાના મતવિસ્તાર સુમેરપુરના ગુરડાઈમાં પંચાયત ભવનમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ ગામના રોડ રસ્તા, વીજળી, પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્યને લગતા મંત્રીને સવાલો પૂછ્યા હતા. ગ્રામજનોએ કહ્યું કે, 'રસ્તાઓ કામ શરૂ થયું નથી. જેના કારણે બધે ગંદકી ફેલાયેલી છે.' મંત્રીના કેટલાક સમર્થકોએ કહ્યું કે 'મંત્રીને બીજા ઘણાં કાર્યક્રમોમાં હાજરી આપવાની છે.' આ સાંભળીને ગ્રામજનો રોષે ભરાયા હતા અને કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત ભાષણ આપ્યા વગર જ જતા રહ્યા હાતા.
ઘટનાનો વીડિયો વાઈરલ
આ ઘટનાના બીજા દિવસે 13મી જુલાઈના રોજ વીજળી અને પાણી વિભાગના કેટલાક અધિકારીઓ ગામમાં આવ્યા અને પાણી અને વીજળીના કનેકશન કાપી નાખ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્થાનિક વ્યક્તિ કહે છે કે, 'ગઈકાલે ગ્રામજનોએ મંત્રી જોરારામ સમક્ષ અમારી સમસ્યાઓ રજૂ કરી હતી અને આજે તેમણે પાણી અને વીજળીના કનેક્શન કાપવા અને અમને હેરાન કરવા માટે વીજળી અને પાણી વિભાગના અધિકારીઓને મોકલ્યા છે.'
આ વીડિયોમાં ઉતારનાર વ્યક્તિનું નામ કિરણ કુમાર મીણા છે જે વ્યવસાયે વકીલ છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'હું એક સામાન્ય માણસ છું. અમારા ગુરડાઈ ગામમાં લગભગ 200 ઘરો છે જ્યાં SC/ST સમુદાયના લોકો રહે છે. જ્યારે માનનીય મંત્રી અમારા ગામમાં આવ્યા, ત્યારે તેમને અમારી સમસ્યા જણાવી હતી. અમે તેમને કહ્યું કે શાળાની છત ટપકતી રહે છે. અમારા ગામમાં કોઈ સિમેન્ટ-કોંક્રિટનો રસ્તો નથી. અમે તેમને એક મેમોરેન્ડમ આપવા માંગતા હતા પરંતુ તેમણે તે સ્વીકાર્યું નહીં.'
વકીલ કિરણ કુમારે જણાવ્યું કે, 'આ ઘટના બાદ મંત્રી જોરારામ કુમાવતે અમારા ગામમાં અધિકારીઓને મોકલીને પાણી અને વીજળીના કનેક્શન કપી દીધા હતા. જોકે, છેલ્લા પાંચ વર્ષથી આ કનેક્શન છે અને કાર્યવાહી પહેલા કોઈ નોટિસ પણ મોકલી નથી.'