શું રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફિલ્મ 'પદ્માવત' રજૂ નહી થાય?
- રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમમાં પદ્માવત બેન અંગે કરી અરજી
- સુપ્રીમમાં મંગળવારે હાથ ધરાશે આ અંગેની સુનાવણી
નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી 2017, સોમવાર
પદ્માવત ફિલ્મને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રજૂ નહી કરવા અંગે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચારણા અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને માન્ય રાખી મંગળવારે આ અંગેની સુનાવણી કરવાનું માન્ય રાખ્યુ છે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડની બેચ આવતીકાલે ભાજપ શાસિત આ રાજ્યોની અપીલ પર સુનાવણી કરશે. ફિલ્મ પ્રોડ્યુસર્સના વકીલ હરીશ સાલ્વેએ મામલાની તાત્કાલિક સુનાવણીનો વિરોધ કર્યો છે. પરંતુ બેંચે તેમના વિરોધને ફગાવ્યો છે.
આ પૂર્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણાએ પદ્માવત ફિલ્મ રજૂ નહીં કરવાના આદેશ જાહેર કર્યાં હતા. પરંતુ ફિલ્મના પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલીએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં, સુપ્રીમ કોર્ટે ચારેય રાજ્યોને ફિલ્મને જ્યારે CBFCએ મંજૂરી આપી દીધી છે ત્યારે તેને રજૂ કરવા પર પ્રતિબંધ ન મૂકી શકે તેવા નિર્દેશ આપ્યાં હતા. તો બીજી તરફ કરણી સેનાએ ફિલ્મની રજૂઆતને લઈને એકવાર ફરીથી ધમકી આપી છે. ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીનાં રોજ રજૂ થવાની છે.
સુપ્રીમ કોર્ટમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા સોમવારે અરજી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ પદ્માવતની રિલીઝ પર આપેલાં પોતાના ફેંસલામાં સુધારો કરે. સુપ્રીમ કોર્ટે 18 જાન્યુઆરીનાં રોજ ફિલ્મને દેશભરમાં રજૂ કરવાના ઓર્ડર આપ્યાં હતા.
ફિલ્મ 25 જાન્યુઆરીએ રજૂ થવાની છે. પરંતુ તેનો વિરોધ ઓછો થવાને બદલે વધતો જ જઈ રહ્યો છે. બંને રાજ્ય સરકારોએ પોતાની અપીલમાં કહ્યું કે "સિનેમાટોગ્રાફ એક્ટમાં આ વાતને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ ફિલ્મથી લો એન્ડ ઓર્ડર બગડવાની આશંકા હોય તો રાજ્ય સરકાર તે ફિલ્મ પર પ્રતિબંધ લગાવી શકે છે."