Get The App

મુંબઈમાં 'મરાઠી મેયર'ની માંગ: રાજ ઠાકરેએ વડોદરાનું ઉદાહરણ આપી જુઓ શું કહ્યું

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈમાં 'મરાઠી મેયર'ની માંગ: રાજ ઠાકરેએ વડોદરાનું ઉદાહરણ આપી જુઓ શું કહ્યું 1 - image


Raj Thackeray Raises Gujarat Angle, Demands Marathi Mayor : મુંબઈની BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના પક્ષે ગઠબંધન કર્યું છે. વર્ષોથી છૂટા પડેલા બે ભાઈઓ ફરી એક થયા છે. જે બાદ આજે બંને પક્ષોએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આજે રાજ ઠાકરે 20 વર્ષ બાદ મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક સ્થિત 'શિવસેના ભવન' પહોંચ્યા. 

20 વર્ષ બાદ શિવસેના ભવનમાં રાજ ઠાકરે

શિવસેના ભવનમાં રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. રાજ ઠાકરેએ કહ્યું, કે 20 વર્ષ બાદ અહીં આવીને લાગે છે જાણે જેલની બહાર આવ્યો હોઉં. સૌ કોઈ મને પૂછી રહ્યા છે જે 20 વર્ષ અહીં આવીને કેવું લાગી રહ્યું છે. શિવસેના ભવન સાથે મારી ઘણી જૂની યાદો જોડાયેલી છે. મેં અહીં ઘણા દિવસ વિતાવ્યા. 1977માં શિવસેના ભવન બન્યું ત્યારે તે સમયની જનતા પાર્ટીએ અહીં પથ્થરમારો કર્યો હતો. અમારા શિવસૈનિકોએ તેમના પર ટ્યુબલાઈટ ફેંકીને જડબાતોડ જવાબ આપ્યો હતો. 

મુંબઈ જ નહીં મહારાષ્ટ્રના તમામ મેયર મરાઠી જ હોવા જોઈએ: રાજ ઠાકરે

મુંબઈના મેયરની ચૂંટણીમાં પણ રાજ ઠાકરેએ ગુજરાતને વચ્ચે લાવ્યા. તેમણે કહ્યું, કે વડોદરામાં મરાઠા સામ્રાજ્યનો ઈતિહાસ રહ્યો છે. છતાં ત્યાં દરેક મેયર ગુજરાતી જ હોય છે. તો પછી મુંબઈમાં કેમ એવો સવાલ ઊભો થાય છે કે મેયર મરાઠી હશે કે નહીં? મહારાષ્ટ્રના દરેક શહેરમાં મેયર મરાઠી જ હોવો જોઈએ. હું પહેલા પણ કહી ચૂક્યો છું, અમે હિન્દુ છીએ હિન્દી નહીં. રાજ ઠાકરેએ વધુમાં કહ્યું, કે કોઈ પણ સત્તામાં હંમેશા માટે નથી રહેતા. આજે જે સત્તામાં છે તે બહાર થશે ત્યારે શું કરશે? મહારાષ્ટ્રને યુપી-બિહાર બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જે મહારાષ્ટ્રના ભવિષ્ય માટે ખતરનાક છે. 

ઉદ્ધવ ઠાકરે: લોકશાહી ખતમ થઈ રહી છે 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, કે ખુશીની વાત છે કે અમને સાથે જોઈને સમગ્ર મહારાષ્ટ્ર આનંદિત છે. ભાજપના શાસનમાં લોકશાહી નથી બચી. પહેલા વોટ ચોરી થતી હતી, હવે ઉમેદવારો ચોરી થઈ રહ્યા છે. સત્તા પક્ષમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ રહ્યા છે. વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવી જોઈએ. તેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને વિપક્ષના ધારાસભ્યો પર દબાણ બનાવી રહ્યા છે. જ્યાં જ્યાં સત્તા પક્ષના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા ત્યાં ફરી ચૂંટણી થવી જોઈએ.