રેલવે હવે આઠ કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરશે
- હાલમાં ચાર કલાક પહેલા રિઝર્નવેશન ચાર્ટ તૈયાર થાય છે
- વેઇટિંગવાળી ટિકિટો રદ કરવા પર લાગતા કલર્કેજ ચાર્જ દૂર કરવાની વિચારણા
નવી દિલ્હી : રેલવે મંત્રાલયે દૂરના સ્થળેથી યાત્રા કરવાવાળા યાત્રીઓની યાત્રાને સરળ બનાવવા માટે લાંબા અંતરની ટ્રેનો માટે વર્તમાન ચાર કલાકની બદલે આઠ કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય રેલવે વેઇટિંગ યાદીવાળી ટિકિટોને રદ કરવા પર લગાવવામાં આવતા બહુચર્ચિત કલર્કેજ ચાર્જિસને માફ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. આ ચાર્જિસ સામાન્ય રીતે યાત્રા વર્ગના આધારે પ્રતિ ટિકિટ ૩૦ થી ૬૦ રૂપિયા હોય છે. આ ચાર્જિસનો યાત્રીઓ અને જનપ્રતિનિધિઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં છે. રેલવે મંત્રાલયના એક અધિકારીએ પ્રસ્તાવ પર આંતરિક ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે.
હાલમાં ટુએસ કલાસમાં રૂ. ૩૦ પ્રતિ પેસેન્જર, સ્લીપર કલાસમાં રૂ. ૬૦ અને અન્ય તમામ કલાસમાં રૂ. ૬૦ પ્લસ જીએસટી (રૂ. ૬૫)નું કલર્કેજ ચાર્જ વસૂલ કરવામાં આવે છે.
આઇઆરસીટીસીના ઓનલાઇન પોર્ટલના માધ્યમથી કરવામાં આવેલા કેન્સલેશન માટે ચાર્જિસ કાપવામાં આવે છે. જ્યારે વેઇટિંગ યાદીવાળી ટિકિટ રદ કરવામાં આવે છે તો કલર્કેજ અને અન્ય નોન રિફંડેબલ ઘટકો કાપ્યા પછી ભાડું પરત આપવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં રેલવેએ લગભગ ૨.૭ લાખ કરોડ રૂપિયાની વિક્રમજનક કમાણી કરી હતી. આ કમાણી પેસેન્જર અને ગુડ્ઝ ટ્રેનો બંનેની આવકમાં ઉલ્લેખનીય વૃદ્ધિને કારણે થઇ હતી.
રેલવેને ટિકિટ કેન્સલેશનને કારણે પણ મોટા પ્રમાણમાં આવક થાય છે. ગયા વર્ષે એક કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલી આરટીઆઇના જવાબમાં રેલવેએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૦૦થી ૨૦૨૩ સુધીના ચાર વર્ષના ગાળામાં ટિકિટ કેન્સલેશનને કારણે ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઇ હતી.