‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી
Train Baggage Charges : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘ટ્રેનના મુસાફરો પાસેથી વિમાન સેવાની જેમ એકસ્ટ્રા લગેજ માટે વધુ રકમ’ લેવાના અહેવાલનો રદીયો આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ટ્રેનના મુસાફરો કેટલો સામાન સાથે લઈ જઈ શકે તે દાયકાઓથી નિયમ બનાવાયો છે, તેમાં તાજેતરમાં કોઈ નવો નિયમ બનાવાયો નથી.
લગેજ મુજબ એકસ્ટ્રા રકમ વસૂલવાની વાત ખોટી
અગાઉ એવા અહેવાલ સામે આવ્યા હતા કે, ‘ભારતીય રેલવે વિમાની સેવાની જેમ લગેજ માટે નવા નિયમો લાગુ કરવાની છે, જેમાં લગેજ મુજબ એકસ્ટ્રા રકમ વસૂલવામાં આવશે.’ રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે, આ નિયમ પહેલેથી જ છે, પરંતુ તેને હવે કડકાઈ સાથે લાગુ કરવામાં આવશે. આ નિયમ મુજબ, સામાન માટે જે વજન નક્કી કરાયું છે, તેટલો સામાન મુસાફરો મફત લઈ જઈ શકે, પરંતુ તેનાથી વધુ સામાન લઈ જશે તો વધારાની રકમ ચુકવવી પડશે.
અગાઉના અહેવાલોમાં શું કહેવાયું હતું?
રિપોર્ટમાં એવું પણ કહેવાયું હતું કે, ‘નિયમ અનુસાર જુદા જુદા કોચમાં મુસાફરીની વિવિધ કેટેગરીમાં મફત સામાનની મંજૂરી અલગ-અલગ છે. ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરવા માટે 70 કિગ્રા સુધીનો સામાન લઈ જવાની મંજૂરી રહેશે. એસી સેકન્ડ ક્લાસના મુસાફરો માટે આ મર્યાદા 50 કિગ્રા જ્યારે થર્ડ એસી અને સ્લિપર ક્લાસના મુસાફરો માટે 40 કિગ્રા સુધીનું વજન મફત રહેશે. જ્યારે તેનાથી વધુ સામાન માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. તદુપરાંત જનરલ ટિકિટ પર મુસાફરી કરતાં મુસાફરો માટે સામાનના વજનની મર્યાદા 35 કિગ્રા રહેશે.’
આ પણ વાંચો : રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર, ગઈકાલે લોકસભામાં થયું હતું પાસ
અહેવાલોમાં ઉત્તર પ્રદેશના રેલવે સ્ટેશનનો પણ ઉલ્લેખ
અહેવાલમાં એવું પણ કહેવાયું હતું કે, ‘ઉત્તર રેલવે અને ઉત્તર-મધ્ય રેલવેએ આ વ્યવસ્થાની શરુઆત લખનૌ, પ્રયાગરાજ મંડળના ટોચના સ્ટેશનોથી આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ લાગુ થનારા રેલવે સ્ટેશનોમાં પ્રયાગરાજ, મિર્ઝાપુર, કાનપુર અને અલીગઢ જંક્શન સામેલ છે. તદુપરાંત લખનૌ ચારબાગ, બનારસ, પ્રયાગરાજ, સુબેદારગંજ, મિર્ઝાપુર, ટૂંડલા, અલીગઢ, ગોવિંદપુરી, અને ઈટાવા સ્ટેશન પર પણ આ નિયમ લાગુ થશે. આ નિયમ રેલવેના મુસાફરોની સુરક્ષા અને સુવિધા બંને માટે જરૂરી છે. કારણકે, ઘણીવખત મુસાફર પોતાની સાથે વધુ પડતો સામાન લઈ આવે છે. જેના લીધે કોચમાં હલન-ચલન કરવામાં મુશ્કેલીઓ નડે છે. અને અન્ય મુસાફરો પણ હાલાકીનો સામનો કરે છે. જેથી વધુ પડતો સામાન રેલવે માટે જોખમી છે.’
દંડ લાદવાની જોગવાઈની વાત પણ ખોટી
ઍરપોર્ટની જેમ જ રેલવે સ્ટેશન પર પણ સામાન બુક કરવાની સુવિધા શરુ કરવામાં આવી છે. જો બેગ કે બ્રીફકેસનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય અને તે બોર્ડિંગ સ્પેસમાં અવરોધ ઊભો કરે, તો તેના પર દંડ લાદવાની પણ જોગવાઈ છે. રેલવે નિયમ અનુસાર, જો સામાન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અને બુકિંગ વિના મળી આવ્યો તો સામાન્ય દર કરતાં વધુ ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે મુસાફરોને 10 કિલો સુધીનો વધારાનો સામાન પોતાની સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે, તેનાથી વધુ માટે સામાન બુક કરાવવો પડશે. ભારતીય રેલવે મુસાફરોના સામાન અંગેના નિયમો લાગુ કરવા અને તેને સરળતાથી ચલાવવા માટે સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક લગેજ મશીન સ્થાપિત કરાશે. રેલવે પ્લેટફોર્મ પર પ્રવેશતાં પહેલા મુસાફરોની બેગનું વજન અને કદ તપાસવામાં આવશે. બીજી ખાસ વાત એ છે કે મુસાફરોના સામાનનું વજન જ નહીં, પરંતુ તેમની ટ્રાવેલ બેગનું કદ પણ આ મર્યાદામાં રાખવામાં આવશે. જો બેગની સાઇઝ જરૂરિયાત કરતાં વધારે હોય, તો દંડ લાદવામાં આવી શકે છે, ભલે સામાન નિર્ધારિત વજન કરતાં ઓછો હોય. લખનૌ ઉત્તર રેલવેના સિનિયર ડીસીએમ કુલદીપ તિવારીના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.’
જોકે હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અહેવાલોને રદીયો આપ્યો છે.