જયપુરમાં ચાર કોલ સેન્ટરમાં દરોડા, વિદેશીઓ સાથે કરોડોની ઠગાઈ કરનારા 34ની ધરપકડ
- વિદેશીઓને સસ્તી લોન આપવાની જાળમાં ફસાવીને મોટી રકમ પડાવતા
- કોલ સેન્ટરની જાળ ગુજરાત, મેઘાલય અને ત્રિપુરામાં પણ વિસ્તરેલી હોવાનો ઘટસ્ફોટ
(પીટીઆઈ) જયપુર, તા.29 માર્ચ, 2019, શુક્રવાર
જયપુર પોલીસે બનાવટી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરની આડશે વિદેશી નાગરિકો પાસેથી કરોડો રુપિયાની ઠગાઈ કરતી એક મોટી ટોળકીને ઝડપી છે. પોલીસે એક સાથે ચાર બનાવટી કોલ સેન્ટરમાં દરોડા પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને બે યુવતી સહિત ૩૪ લોકોની ધરપકડ કરી છે.
રાજસ્થાનના જયપુરમાં વિવિધ વિસ્તારોમાં સંચાલિત ચાર બોગસ કોલ સેન્ટર પર દરોડા પાડીને પોલીસે વિદેશી લોકો સાથે ઠગાઈ કરતા ૩૪ લોકોની ધરપકડ કરી છે. કોલ સેન્ટરમાં કામ કરતા લોકો મોટે ભાગે યુએસના નાગરિકોને પોતાનો શિકાર બનાવતા હતા અને તેમને ક્રેડિટ લિમિટમાં વધારો કરવા સહિતના પ્રલોભનો આપીને તેમના પાસેથી રોકડ ખંખેરતા હતા.
પોલીસે એક બાતમીને આધારે કોલ સેન્ટર્સ પર નજર રાખવાનું શરુ કર્યું હતું અને વિદેશીઓને ઠગતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. જયપુરના ડીસીપી યોગેશ દદીચે જણાવ્યા મુજબ આ કોલ સેન્ટરનું જાળું ગુજરાત, મેઘાલય અને ત્રિપુરામાં પણ ફેલાયેલું છે.
જયપુરના ચાર અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોલ સેન્ટર પર એક સાથે જ છાપો મારીને પોલીસે ગુજરાત નિવાસી હાર્દિક પટેલ, રાહુલ બાદલ, ભોપાભાઈ, વિકાસ રાણા અને જયપુરના ગૌરવ જાંગિડ સહિત ૩૪ લોકોની ધરપકડ કરી છે જેમાં બે મહિલાઓ પણ શામેલ છે. કોલ સેન્ટરની આડશે ઠગાઈ કરતી આ ટોળી વિદેશમાં કાર્યરત કોલ સેન્ટર્સ પાસેથી ગેરકાયદેસર રીતે લોકોના નંબર, સરનામુ, બેંકની વિગતો સહિતની અંગત માહિતીઓ મેળવતી હતી અને તેમને પોતાના શિકાર બનાવતી હતી. કોલ સેન્ટરમાં કામ કરતા લોકો મોટે ભાગે ગરીબ વિદેશીઓને સસ્તી લોન સહિતના પ્રલોભનો આપીને અને ટેક્સ ન ભરાયો હોવા અંગે ધમકાવીને પોતાનો શિકાર બનાવતા.
તેઓ પોતાના શિકારને ક્રેડિટ લિમિટ વધારવાનું પ્રલોભન આપીને બોગસ ચેક વડે તેમના ખાતામાં રકમ જમા કરાવતા હતા અને સામે તરત જ બળજબરીપૂર્વક તેમના પાસેથી બીટકોઈન્સ, વોલમાર્ટ કાર્ડ્સ, આઈટયુન ગિફ્ટ કાર્ડ્સ વગેરે રુપે મોટી રકમ મેળવી લેતા હતા.
આ રકમને ચાઈના અને હોંગકોંગના બેનામી બેંક અકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવતી હતી અને ત્યાંથી હવાલા દ્વારા તે રકમ ભારત પહોંચાડવામાં આવતી હતી. પોલીસે દરોડા દરમિયાન ડેટા ડિલિટ કરવાનો સમય મળે તે પહેલા જ અનેક કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, રાઉટર, મોડેમ, ડાયલર અને નેટવર્કિંગ ઉપકરણો જપ્ત કર્યા હતા.