Get The App

ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત 1 - image


એન્જિનિયર બે દિવસ પછી નિવૃત્ત થવાનો હતો

વિજિલન્સ વિભાગના અધિકારીઓને જોઈ એન્જિનિયરે ઘરની બારીમાંથી રૂ. 500ની નોટોના બંડલો ફેંકી દીધા

ભૂવનેશ્વર: ઓડિશા વિજિલન્સ વિભાગના અધિકારીઓએ ભુવનેશ્વર ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય એન્જિનિયર બૈકુંઠનાથ ષંડગીના કેટલાક સ્થળો પર દરોડા પાડયા હતા અને અનુગુલ સ્થિતિ આવાસ સહિત સાત સ્થળો પર થયેલા દરોડામાં રૂ. ૨.૫૧ કરોડની રોકડ જપ્ત કરી હતી, જેમાં અનુગુલ આવાસ પરથી રૂ. ૧.૩૦ કરોડ અને ભુવનેશ્વર સ્થિત આવાસથી ૧.૧૦ કરોડની રોકડનો સમાવેશ થાય છે.

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે બૈકુંઠનાથ ષંડગીના સ્થળો પર આવક કરતા વધુ સંપત્તિના આરોપો હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. ઓડિશાના વિજિલન્સ વિભાગના અધિકારીઓએ શુક્રવારે ભુવનેશ્વર અને અનુગુલમાં દરોડા દરમિયાન એક સરકારી અધિકારીના નિવાસથી પરથી રૂ. ૨.૫૧ કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી.

રસપ્રદ વાત એ છે કે બૈકુંઠનાથ ષડંગીના ઘરે વિજિલન્સના અધિકારીઓએ દરોડો પાડતા ષડંગીએ તેના ફ્લેટની બારીમાંથી રૂ. ૫૦૦ની નોટોના બંડલ ફેંકી દીધા. જોકે, પાછળથી વિજિલન્સની ટીમે ફેંકાયેલી નોટો સાક્ષીઓની હાજરીમાં પાછી મેળવી જપ્ત કરી હતી. વિજિલન્સ વિભાગે ઓડિશાના ભુવનેશ્વર, આરડબલ્યુ ડિવિઝનના માર્ગ યોજના વિભાગના મુખ્ય એન્જિનિયર બૈકુંઠનાથ ષડંગી પર આવક કરતાં વધુ સંપત્તિના આરોપ હેઠળ ભુવનેશ્વર સહિત સાત સ્થળો પર દરોડા પાડયા હતા.

વિજિલન્સ વિભાગના અધિકારીઓએ અનુગુલના કરદાગડિયામાં બે માળના મકાન, ભુવનેશ્વરના ડુમડુમામાં પીડીએન એક્સોન્સમાં એક ફ્લેટ, પિપિલીના સિઉલા ખાતે જિલ્લા પુરીમાં એક ફ્લેટ, અનુગુલમાં શિક્ષકપડામાં બૈકુંઠનાથના સંબંધીના ઘર, અનુગુલમાં લોકેઈપાસી ગામમાં તેમના પૈતૃક ઘર, મટિયાસાહીમાં બે માળના પૈતૃક ભવન તથા મુખ્ય એન્જિનિયરની ઓફિસ પર દરોડા પાડયા હતા. 

મુખ્ય એન્જિનિયર બૈકુંઠનાથ ષડંગી બે દિવસ પછી નિવૃત્ત થવાના હતા. તેમના પર પંચાયતીરાજ વિભાગ હેઠળ કનિહા બ્લોકમાં માસિક રૂ. ૨,૦૦૦ના સમેકિત પગાર પર સ્ટાઈપેન્ડરી એન્જિનિયર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. જુલાઈ ૧૯૯૯ સુધી ઓડિશાના વિવિધ બ્લોકોમાં સ્ટાઈપેન્ડ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.

Tags :