અગ્નિવીર મુદ્દે રાહુલ ગાંધીનો આક્રમક 'વીડિયો વૉર', આખરે સરકાર અને સૈન્યએ ખુલાસા કરવા પડ્યા
- અગ્નિવીર શહીદના પરિવારને વળતરના વિવાદનો ઘટનાક્રમ
- પૂર્વ સૈન્ય અધિકારીઓમાં યુવા સૈનિકોને આર્થિક સલામતી આપવાનો મુદ્દો ચર્ચામાં
- વીમા અને વળતરમાં ફરક હોય છે તે સરકાર સમજતી નથી : રાહુલ ગાંધી
Rahul Gandhi News | લોકસભામાં રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે પ્રથમ ભાષણ આપ્યું તે વખતે અગ્નિવીરના વળતરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પંજાબના લુધિયાણા જિલ્લાના રામગઢ સરદારા ગામના શહીદ અગ્નિવીર અજય કુમારના પરિવારને સરકારે વળતર આપ્યું નથી એવો આરોપ રાહુલે લગાવ્યો તે પછી તુરંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એ આરોપનો જવાબ આપતા દાવો કર્યો હતો કે શહીદ અગ્નિવીરના પરિવારને સરકાર એક કરોડ રૂપિયાનું વળતર આપે છે.
એ દિવસથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્ર સરકાર વચ્ચે શહીદ અગ્નિવીરના પરિવારને વળતરના મુદ્દે સામ-સામી જંગ છેડાઈ ગઈ છે. રાહુલે સરકાર સામે મોરચો ખોલ્યો હતો અને વીડિયો વોર શરૂ કરીને અગ્નિવીરના પરિવાર સાથે થયેલી વાતચીત સોશિયલ મીડિયામાં શેર કરી હતી. રાહુલ ગાંધી સાથે વાત કરતા શહીદ અગ્નિવીરના પરિવારે કહ્યું હતું કે તેમને સરકાર વતી કોઈ વળતર મળ્યું નથી. શહીદ અગ્નિવીરના પિતા ચરણજીતે કહ્યું કે પંજાબની ભગવંત માનની સરકારે તેમને એક કરોડ રૂપિયા આપ્યા ને એક બહેનને સરકારી નોકરીની ખાતરી આપી. અજય સિંહને છ બહેનો છે. આર્મીએ ૪૮ લાખ રૂપિયા આપ્યા. કેન્દ્ર સરકારે એક પણ રૂપિયો આપ્યો નથી.
આ વીડિયો સામે આવ્યો તે પછી ઈન્ડિયન આર્મીએ જવાબમાં કહ્યું કે ૯૮.૩૯ લાખ રૂપિયા અપાયા છે. કુલ ૧.૬૫ કરોડની રકમ મળવાની છે. બાકીની રકમ પોલીસ વેરિફિકેશન થશે પછી મળશે. જોકે, જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટતા કરી કે તેમની પાસે અજય કુમારના પરિવારનું કોઈ વેરિફિકેશન પેન્ડિંગ નથી. ટૂંકમાં, જે માહિતી આપવામાં આવેલી તે અધૂરી હતી.
સૈન્યએ વળતર અપાયાની વાત કરી તે પછી ફરીથી રાહુલ ગાંધીએ વીડિયો શેર કર્યો હતો. એમાં વિપક્ષના નેતાએ કહ્યું હતું કે વીમા અને વળતરમાં ફરક હોય છે એ સરકારે સમજવું જોઈએ. અજય કુમારના પરિવારને જે રકમ મળી છે તે વીમા કંપનીના માધ્યમથી મળી છે. સરકારનું મળવા પાત્ર વળતર મળ્યું નથી. રાહુલ ગાંધીએ ડિમાન્ડ કરી કે આ મામલે રાજનાથ સિંહે સંસદગૃહમાં દેશની જનતા સમક્ષ ખોટી માહિતી આપી હતી. તેમણે જાહેરમાં માફી માગવી જોઈએ.
સૈન્યના પૂર્વ અધિકારીઓએ પણ આ ચર્ચામાં ઝંપલાવ્યું છે. પૂર્વ નૌસેના વડા કરમવીર સિંહે કહ્યું હતું કે અગ્નિવીર યોજનાથી સૈન્યની યુદ્ધ પ્રભાવશીલતા ઘટી શકે છે. એક પ્રકારનું જોખમ, એક પ્રકારનું કામ અને વળતર મુદ્દે અસમાનતા હોય તેનાથી જવાનોમાં અસંતોષનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે.
પૂર્વ નૌસેના પ્રમુખ અરૂણ પ્રકાશે પણ અગ્નિવીર સામે સવાલો ખડા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાની સરખામણીએ બીજી બધી બાબતો ગૌણ હોવી જોઈએ. સૈન્યના જવાનોને જે મળવું જોઈએ તે આપવામાં બાંધછોડ ન થાય તે યોગ્ય છે. જવાનો તેમના જીવના જોખમે દેશની રક્ષા કરે છે. તેમના પરિવારનું ધ્યાન રાખવું જરૂરી છે. એમ એમ નરવણેએ પણ અગાઉ અગ્નિવીર યોજના અંગે ટીકાના સૂરમાં કહેલું કે ટૂંકાગાળાની સર્વિસ માટે માત્ર મર્યાદિત જવાનોને જ પસંદ કરવા યોગ્ય રહેશે.
નિવૃત્ત મેજર નવદીપ સિંહે કહેલું કે બીજી બધી નોકરીમાં ડયૂટી દરમિયાન મોત થાય તો એ વ્યક્તિના પરિવારને છેલ્લી નોકરી પ્રમાણે પેન્શન મળે છે, પરંતુ અગ્નિવીરના કિસ્સામાં એવું નહીં થાય. નિવૃત્ત એર વાઈસ માર્શલ મનમોહન બહાદુરે પણ એ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે પોલીસ ફોર્સ વગેરેમાં જે ડયૂટીમાં ન હોય તેમ છતાં વળતર મળે છે, પરંતુ અગ્નિવીરના પરિવારને એવી કોઈ સહાય મળશે નહીં. આ અસમાનતા બાબતે વિચારવું જોઈએ.
વિવાદ વચ્ચે સૈન્યના કેન્દ્રને બે સૂચનો
આર્મીના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે સૈન્યએ અગ્નિવીરમાં બે મહત્ત્વના ફેરફાર કરવા સરકારને રજૂઆત કરી છે. પહેલું સૂચન છે - વયમર્યાદા વધારવાનું. અત્યારે અગ્નિવીર માટે વધુમાં વધુ વય ૨૧ છે. એ વધારીને ૨૩ કરવાનું સૂચન થયું છે. બીજું સૂચન પણ મહત્ત્વનું છે. એ પ્રમાણે ચાર વર્ષ પછી કુલ અગ્નિવીરોમાંથી ૫૦ ટકાને કાયમી નોકરી આપવાની ભલામણ સૈન્ય સરકારને કરશે.અત્યારે ૨૫ ટકા અગ્નિવીરોને કાયમી નોકરી આપવામાં આવે છે.
આગરાના એરફોર્સ કેમ્પમાં અગ્નિવીરનો આપઘાત
અગ્નિવીરના આ વિવાદ વચ્ચે આગરાના એરફોર્સ કેમ્પમાં શ્રીકાંત ચૌધરી નામના અગ્નિવીરે આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ કરાયું નથી, પરંતુ વધુ એક અગ્નિવીરના આપઘાતના સમાચારથી અગ્નિવીરની યોજના સામે જે સવાલો ખડા થયા છે તે તીવ્ર બન્યા છે.