રાહુલ હજુ નિર્દોષ જાહેર નથી થયા, તેમનું સાંસદપદ રદ કરો
- લોકસભા નોટિફિકેશ સામે સુપ્રીમમાં અરજી દ્વારા માગ
- કાયદા મુજબ નિર્દોષ જાહેર ન થાય ત્યાં સુધી સાંસદપદ પરત ન આપી શકાય તેવો દાવો
નવી દિલ્હી : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ લોકસભાનું સાંસદ પદ પરત મળ્યું હતું. જોકે આ સાંસદ પદ પરત આપતા નોટિફિકેશનની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ છે. લખનઉના વકીલ અશોક પાંડે દ્વારા સુપ્રીમમાં માગ કરાઇ છે કે રાહુલ ગાંધીને સાંસદપદ પરત આપતુ લોકસભાનું નોટિફિકેશન રદ કરવામાં આવે.
આ અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે કાયદા અનુસાર આપરાધીક કેસમાં દોષી જ્યાં સુધી સંપૂર્ણપણે નિર્દોશ જાહેર ન થાય ત્યાં સુધી તેનુ સાંસદ પદ પરત ન આપી શકાય. હાલ સુપ્રીમ કોર્ટે માત્ર સ્ટે મુક્યો છે, જોકે રાહુલ ગાંધીને નિર્દોશ જાહેર કરવામાં નથી આવ્યા. એવામાં હવે રાહુલને પરત મળેલા સાંસદ પદ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ વકીલ અશોક પાંડેએ જાહેર હિતની અરજી કરીને કહ્યું છે કે રાહુલ ગાંધીને દોષી ઠેરવીને બે વર્ષની સજા આપવામાં આવી હતી જેને કારણે તેઓએ સાંસદ પદ ગુમાવ્યું હતું. જે બાદ તેમને સાંસદ પદ પરત આપવું અયોગ્ય છે. માટે સુપ્રીમ કોર્ટ લોકસભાનું સાંસદ પદ પરત આપતા સંસદના નોટિફિકેશનને રદ જાહેર કરે.
મોદી સરનેમ વિવાદને લઇને રાહુલ ગાંધીને દોષી ઠેરવીને બે વર્ષની સજા આપવામાં આવી હતી, પોતાને દોષી ઠેરવવા સામે રાહુલ ગાંધીએ હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાલ પુરતા દોષી ઠેરવવા પર સ્ટે આપ્યો છે. જે બાદ રાહુલ ગાંધીને લોકસભા દ્વારા સાંસદ પદ પરત આપવામાં આવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટમાં તેની સામે અરજી થઇ છે.