નવી દિલ્હી, તા.28 ડિસેમ્બર-2022, બુધવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલીવાર પોતાના લગ્નના પ્રશ્ન પર ખુલીને વાત કરી છે. તેમણે એ પણ કહી દીધું કે, તેઓ લગ્ન કઈ યુવતી સાથે કરવા ઈચ્છે છે. આખો દેશ લાંબા સમયથી રાહુલ ગાંધીના આ જવાબની રાહ જોઈ રહ્યો હતો. આખરે આ મામલે રાહુલ ગાંધીએ ખુલીને જવાબ આપ્યો છે અને કહ્યું કે, લગ્ન માટે કંઈ યુવતી પસંદ છે. તો જોણીએ રાહુલ ગાંધીને લગ્ન માટે કેવી યુવતી જોઈએ...
ભારત ઇલેક્ટ્રિક વાહનો અને ડ્રોનમાં હજુ પણ પાછળ : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પહેલીવાર કહ્યું કે, તેઓ લગ્ન કરવા માટે એવી યુવતી પસંદ કરશે, જેનામાં તેમની દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી જેવા ગુણો હોય. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે હું લંડનમાં રહેતો હતો ત્યારે હું 'RS 20' બાઈક ચલાવતો હતો અને તેના પ્રત્યે મને ખુબ જ લગાવ અને પ્રેમ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેમને સાઇકલ ચલાવવી પણ ગમે છે. એક સમયે તેમને લેમ્બ્રેટા (સ્કૂટર) પણ ગમતું હતું. રાહુલે કહ્યું કે, ભારત ઇલેક્ટ્રિક વાહનો અને ડ્રોનમાં હજુ પણ પાછળ છે કારણ કે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ નથી.
રાહુલે દાદી ઈન્દિરા ગાંધીને કહ્યા બીજી માતા
જ્યારે રાહુલ ગાંધીને તેમની દાદી સાથેના સંબંધો વિશે પુછાયું ત્યારે તેમણે જણાવ્યું કે, તેઓ મારા જીવનનો પ્રેમ હતા. તેઓ મારી બીજી માતા હતી. રાહુલ ગાંધીને પૂછાયું કે, શું તેઓ ઈન્દિરા ગાંધી જેવા ગુણો ધરાવતી યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છે છે, જેના જવાબમાં રાહુલે કહ્યું કે, આ એક રસપ્રદ પ્રશ્ન છે. મને એવી છોકરી ગમશે જે મારી દાદી અને માતા જેવા ગુણો ધરાવતી હોય.
હું કોઈને નફરત કરતો નથી : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું કોઈને નફરત કરતો નથી. તમે મને અપશબ્દો કહો, હું તમને નફરત નહીં કરું. આ દરમિયાન રાહુલ ગાંધીએ વાહનો અને બાઈક વિશે પણ વિગતવાર ચર્ચા કરી અને જણાવ્યું કે, તેમની પાસે કોઈ અંગત કાર નથી, જોકે તેમની માતા પાસે એક કાર છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે હું લંડનમાં રહેતો હતો, ત્યારે હું બાઇક ચલાવતો હતો.


