'પિક્ચર હજુ બાકી છે, અમે રોકાઈશું નહીં', વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર પ્રહાર
Rahul Gandhi Targets EC Again Vote Tampering: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે બાયો ચઢાવી છે. તેમણે વોટર લિસ્ટમાં છેડછાડ અને વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે ફરી ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 'બંધારણમાં લખેલું છે કે, એક વ્યક્તિ, એક મત. તેનો અમલ કરવો ચૂંટણી પંચની ડ્યુટી છે. પિક્ચર હજુ બાકી છે, અમે રોકાઈશું નહીં, અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર ગંભીર આરોપ
મંગળવારે (12મી ઓગસ્ટ) સંસદ ભવનની બહાર પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'વોટ ચોરી માત્ર એક બેઠકની વાત નથી, ઘણી બેઠકો છે. આ રાષ્ટ્રીય સ્તરે અને વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે. ચૂંટણી પંચ જાણે છે કે, હવે અમારી પાસે પુરાવા છે. એક વ્યક્તિ, એક મત લાગુ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે, પરંતુ તેમણે કર્યું નથી. વિપક્ષ ફક્ત બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ અને કરતા રહીશું.'
વોટર લિસ્ટમાં ગોટાળાઓ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'બિહારમાં વોટર લિસ્ટ રિવિઝન દરમિયાન ચૂંટણી પંચે દરૌંડામાં એક મહિલાની ઉંમર 124 વર્ષ જાહેર કરી છે. આવા અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.'
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ બધું જ કહી દીધું છે: પ્રિયંકા ગાંધી વાડ્રા
બીજી તરફ વાયનાડ લોકસભા બેઠકના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે, 'રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં બધું જ કહી દીધું છે. કેવી રીતે નકલી મતદારો ઉમેરવામાં આવ્યા છે. નામ, સરનામાં, સંબંધીઓના નામ... બધું જ નકલી છે.
વિપક્ષે ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી હતી
ઉલ્લેખનીય છે કે સોમવારે (11મી ઓગસ્ટ) રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી સાંસદોએ મતદાર યાદીમાં અનિયમિતતાના મુદ્દા પર ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી હતી. આ દરમિયાન પોલીસે રાહુલ ગાંધી અને અન્ય સાંસદોને અટકાત કરી હતી.