Get The App

'હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ ભગવાન નથી...', રાહુલ ગાંધીએ કહ્યું ‘હું દુવિધામાં છું, હવે શું કરું?

Updated: Jun 12th, 2024

GS TEAM


Google News
Google News
'હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ ભગવાન નથી...', રાહુલ ગાંધીએ કહ્યું ‘હું દુવિધામાં છું, હવે શું કરું? 1 - image


Rahul Gandhi in Wayanad | કેરળના વાયનાડથી સતત બીજી વાર સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધી બુધવારે અહીંના લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે ‘બોલો, હું ક્યાંથી સાંસદ રહું? હું તમને જ સવાલ કરું છું કે શું પસંદ કરું, વાયનાડ કે રાયબરેલી? તેનું કારણ એ છે કે હું વડાપ્રધાન મોદીની જેમ ભગવાન નથી. તેમની જેમ ઈશ્વરે મને નથી મોકલ્યો. હું તો એક સામાન્ય માણસ છું. મારા ભગવાન તો ભારતના ગરીબો જ છે. એટલે મારે તમને પૂછીને જ નક્કી કરવું પડશે કે હવે શું કરવાનું છે.’

વાયનાડમાં બોલ્યાં રાહુલ ગાંધી 

કેરળમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ‘હું આશા રાખું છું કે વાયનાડ અને રાયબરેલીના લોકો મારા નિર્ણયથી ખુશ થશે. નફરતને પ્રેમથી અને અહંકારને નમ્રતાથી પરાજિત કરવામાં આવ્યા તે બદલ હું સૌનો આભારી છું.’ 

બે બેઠકથી લડ્યાં અને જીત્યાં 

ખરેખર આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ યુપીના રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમણે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને 3,90,030 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે વાયનાડમાં રાહુલ ગાંધીએ CPI(M)ના એની રાજાને પણ લગભગ ત્રણ લાખથી વધુ મતના માર્જિનથી હરાવ્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ બે બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે તેમનો પરાજય થયો હતો. આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી જીત્યા છે. આવી સ્થિતિમાં તેમણે એક બેઠક પસંદ કરવી પડશે.

Tags :