રાહુલ ગાંધી પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને મળ્યા, આપી સાંત્વના
Pahalgam Terrorist Attack: વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે (છઠ્ઠી મે) પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તે વિનયની પત્ની હિમાંશી અને તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે હરિયાણા કોંગ્રેસના ઘણાં મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ પહેલા રાહુલ શુભમ દ્વિવેદીના પરિવારને મળવા કાનપુર પહોંચ્યા હતાં.
'અમને ફક્ત શાંતિ જોઈએ છે'
અહેવાલો અનુસાર, પહલગામમાં આતંકી હુમલા બાદ હિમાંશીએ પહેલીવાર મીડિયા સાથે વાત કરતી વખતે ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે આખો દેશ વિનય માટે પ્રાર્થના કરે, તે જ્યાં પણ હોય, તેને શાંતિ મળે અને એક બીજી વાત, હું જોઈ રહી છું કે લોકો મુસ્લિમો અને કાશ્મીરીઓ સામે નફરત ફેલાવી રહ્યા છે. અમને આ નથી જોઈતું. અમને ફક્ત શાંતિ જોઈએ છે, ફક્ત શાંતિ.'
ઉલ્લેખનય છે કે, 22મી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા, જેમાં ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલનો પણ સમાવેશ થાય છે.